• બુધવાર, 10 જૂન, 2026

મુંદરામાં નોકરીએ જતા વૃદ્ધને ટ્રેઈલરે મોતને ઘાટ ઉતાર્યા

ભુજ/ગાંધીધામ, તા. 9 : આજે સવારે મુંદરામાં ટુ વ્હીલર પર નોકરીએ જતા 64 વર્ષીય વૃદ્ધ વાલજીભાઇ મૂળજીભાઈ સોધમને ટ્રેઈલરે અડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતાં અરેરાટી વ્યાપી હતી. મીઠીરોહરની ખાનગી કંપનીમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં લોકનાથમ બલેના (ઉ.વ. 50) નામના આધેડે જીવ ખોયો હતો. બીજીબાજુ રતનાલ વાડી વિસ્તારમાં રમેશ કાનજી વરચંદ (ઉ.વ. 33) નામના યુવાને ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો તેમજ ભચાઉના જૂની મોટી  ચીરઇમાં બીમારીથી પીડાતા કાસમ જાનમામદ સુમરા (ઉ.વ. 60)એ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. ખાનગી શુભ સિક્યોરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા અને મુંદરાના મહેશનગરમાં રહેતા વાલજીભાઇ આજે સવારે આઠેક વાગ્યાના અરસામાં તેમના કબજાના હીરો કંપનીના મેસ્ટ્રો સ્કૂટર નં. જીજે-12-ઇજી-6916થી નોકરીએ જતા હતા, ત્યારે શક્તિનગર વિસ્તારમાં પહોંચતા ટ્રેઈલર નં. પીબી-10-જેએમ-9786વાળાના ચાલકે તેના કબજાનું ટ્રેઈલર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી વાલજીભાઇના સ્કૂટરને ઓવરટેક કરવા જતાં પાછળથી અડફેટે લેતાં તેમના માથા પર ટ્રેઈલરનું પાછળનું ટાયર ફરી વળતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. શક્તિનગર વિસ્તારનો માર્ગ ફરી આજે રક્તરંજિત બનતા રહેવાસીઓમાં રોષ અને ભયની મિશ્રિત લાગણી ઉદ્ભવી હતી. 108ને જાણ કરતાં ઘટનાસ્થળે ધસી આવી હતી, પરંતુ આ પહેલાં વાલજીભાઇએ દમ તોડી દીધો હતો. મુંદરા પોલીસે મૃતકના પુત્રે નોંધાવેલી ફરિયાદના આધારે ટ્રેઈલરચાલક સામે ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી. દરમ્યાન, બનાવના પગલે સરકારી હોસ્પિટલમાં મહેશ્વરી સમાજના લોકો ધસી ગયા હતા અને હતભાગી પરિવારને સાંત્વના આપી હતી. મીઠીરોહર નજીક આવેલી સીતારામ નામની કંપનીમાં ગઇકાલે સવારના અરસામાં અપમૃત્યુનો આ બનાવ બન્યો હતો. અહીં રહેતા અને કામ કરતા લોકનાથમ નામના આધેડ કોઇ કારણોસર પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. બનાવ અંગેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક બનાવ અંજાર તાલુકાના રતનાલ ગામના વાડી વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેનાર રમેશ વરચંદ નામનો યુવાન પોતાની વાડીએ હતો દરમ્યાન, ગઇકાલે સાંજે તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. જૂની મોટી ચીરઇમાં ગઇકાલે ઢળતી બપોરે બનાવ બન્યો હતો. અહીં રહેનાર કાસમ સુમરા નામના વૃદ્ધને કેન્સરની બીમારી હોવાનું પોલીસ મથકે નોંધાયું હતું. બીમારીથી પીડાતા આ વૃદ્ધે ગઇકાલે પોતાના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. 

Panchang

dd