ભુજ, તા. 9 : મંગળવારે શહેરના સુરલભિટ્ટ
રોડ પર આવેલાં માર્કેટયાર્ડ (એપીએમસી)ના શાકભાજી વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ
ભભૂકતાં પ્લાસ્ટિકનાં કેરેટ ભસ્મીભૂત થઈ ગયાં હતાં,
તો બીજીબાજુ શહેરના કોડકી રોડ પર આવેલા પ્રભુનગરમાં ઊભેલી કાર સળગી ઉઠી
હતી. હાલ સખત તાપના કારણે ગરમીનું પ્રમાણ તેમજ વીજવહન વધી જવાથી શોર્ટ સર્કિટના બનાવો
વધી રહ્યા છે તેવામાં મંગળવારે સવારે 8.30 વાગ્યાના અરસામાં માર્કેટયાર્ડ (એપીએમસી)ના શાકભાજી વિભાગમાં
આવેલાં ગોડાઉન પાસે પડેલાં શાકભાજી રાખવાનાં કેરેટ પર શોર્ટ સર્કિટના કારણે વીજ વાયર
પડતાં આગ લાગી હતી, જેના કારણે
કેરેટ બળીને રાખ થઈ ગયાં હતાં, આ આગ વધુ પ્રસરતાં ગોડાઉન અંદર
પડેલાં કેરેટ પણ આગની લપેટમાં આવી ગયાં હતાં, જો કે, કોઈ જાનહાનિ થઈ નહોતી. આ બાબતે ભુજ નગરપાલિકાની ફાયર શાખાને જાણ કરાતાં તાબડતોબ
દોડી આવી ફાયર બ્રિગેડના ડીસીપીઓ વિશાલ ગઢવી, જિજ્ઞેશ જેઠવા,
ફાયરમેન રૂદ્ર જોશી, મોહન રબારી, યશપાલસિંહ વાઘેલા, સુનીલ મકવાણા વગેરેએ આગને કાબૂમાં
લીધી હતી. બીજીતરફ શહેરના કોડકી રોડ પર આવેલા પ્રભુનગરમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યે આગનો બનાવ બન્યો હતો.
પ્રભુનગરના ખોડિયાર માતાનાં મંદિર પાસે ઊભેલી કારમાં આગ લાગી હતી, જે અંગે ફાયર બ્રિગેડના જાણ કરાતાં ડીસીઓ ભગતસિંહ
જાડેજા, ફાયરમેન પ્રતીક મકવાણા, રફીક ખલીફા,
જય ઠક્કરે આગ બૂઝાવી હતી.