ભુજ, તા. 9 : કરોડોના ખર્ચે ભુજના મોડેલ
સ્ટેશનનું વિસ્તૃતિકરણ થઈ રહ્યં છે ત્યારે આમેય પ્રવાસીઓને ભુજથી જવામાં કે ભુજ ઉતરવામાં તકલીફ
થાય છે. તેની વચ્ચે રસ્તામાં આડેધડ પાર્ક કરાતી રીક્ષાઓના કારણે વધુ મુશ્કેલી થતી હોવાની
ફરિયાદો ઊઠી હતી. પ્રવાસીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટશનના કામના કારણે દૈનિક અવર-જવર કરવામાં
પોતાના સામાનની હેરફેર કરવી કે પ્લેટફોર્મ બદલવામાં ખુબ જ હાલાકી થાય છે. તેની વચ્ચે પોતાના ખાનગી વાહનોથી સ્ટેશને પહોંચતા
પ્રવાસીઓના વાહનો ક્યાંય પાર્ક થઈ શકતા નથી. કેમ કે રસ્તાની બંને બાજુ રીક્ષાઓ આડેધડ
ઊભી રાખવામાં આવે છે અને બીજી બાજુ ઈકો ગાડીઓની લાઈનો હોવાથી ગાડી ક્યાં ઊભી રાખવી
તે સવાલ પેદા થાય છે. રીક્ષાઓ માટે ખરેખર એક તરફ ખાલી જગ્યાએ પાર્કિંગ હોવું જોઈએ,
પરંતુ રીક્ષાવાળાની સંખ્યા ખુબ જ હોવાથી ખાનગી વાહનો વાળા પોતાના વાહન
દુર રાખે અને મોટા સામાન લઈને આવવું અઘરું થઈ જાય છે તેવી રાવ વ્યક્ત કરવામાં આવી હતી.
આવા સમયે રેલ્વે પોલીસ કે સ્થાનિક પોલીસની કોઈ વ્યવસ્થા નહીં હોવાના કારણે કોઈ રીક્ષા
કે અન્ય વાહનો આગળ પાછળ કરવા તૈયાર થતા નથી ને વિના કારણે રકઝક થતી હોવાથી જાગૃત પ્રવાસીઓએ
સુરક્ષા કર્મચારીઓ બહારના ભાગમાં મુકવાની માંગણી કરી હતી. રેલ્વે પેસેન્જર એસોસિયેશન
કે સલાહકાર સમિતિની બેઠકોમાં પ્રવાસીઓ વતી આ મુદ્દા ઉઠાવવાની પણ માંગ કરવામાં આવી છે.
રેલ્વે સ્ટેશન સુધારવાનું કામ ભલે પ્રગતિમાં હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ કામ લાંબુ ચાલવાનું છે આવા સંજોગોમાં પર્યટકોને હાલાકી થાય છે અને બહારથી
પહેલી વખત આવતા યાત્રિકો તો રીતસરના ક્યાંથી બહાર નીકળવું તે મુદે પણ ભૂલા પડી જાય
છે. ઘણી વખતે રેલગાડીઓના પ્લેટફોર્મ નંબર પણ અચાનક બદલવામાં આવે છે ત્યારે મોટી સીડી
ચડીને દોડાદોડી કરવી પડતી હોવાથી આ વિષયને ગંભીરતાથી લેવા યાત્રિકોએ જણાવ્યું હતું.