કોક્રોચ જનતા પાર્ટીના જનક અભિજિત દીપકેએ કેન્દ્રીય
શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી નહીં સ્વીકારાય તો દેશભરનાં મુખ્ય
શહેરોમાં આંદોલન વ્યાપક બનાવીને આવતા શનિવારે ફરીથી રાજધાનીના જંતરમંતર ખાતે આવીને
આંદોલન તીવ્ર બનાવાશે એમ જણાવ્યું છે. અભિજિતને નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ - જનતાનું
નોંધપાત્ર સમર્થન મળશે એવી ધારણા હતી જ. પણ મહારાષ્ટ્રમાં એમનાં માતા અને બહેનને મળ્યાં
પછી - દિલ્હીમાં પગ મૂકતાં જ એમની ધરપકડ થશે એવી દહેશત - આગાહી ખોટી પડી છે. દિલ્હી
પોલીસે વિમાનમથક ઉપર જ એમને જંતરમંતર ખાતે જાહેરસભા - શાંતિપૂર્વક - યોજવાની પરવાનગી
આપી દીધી. પોલીસ બંદોબસ્ત પણ સખત હતો. આંદોલનની સભાના સ્થળે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહી
તે મહત્ત્વનું છે. ભારતમાં વાણીસ્વાતંત્ર્ય સંસદમાં અને શેરીઓમાં હોવાની ખાતરી એમને
અને અન્ય રાજકીય નેતાઓને થઈ હશે. વિદ્યાર્થીઓ અને સમસ્ત યુવા વર્ગને ન્યાય અપાવવાની
જાહેરાત સાથે શરૂ થયેલા આંદોલનમાં રાજકારણ કેન્દ્રમાં હોવાનું પણ સ્પષ્ટ થયું છે. અભિજિતે
ભારતમાં માતાઓને એમનાં સંતાનોની સ્વતંત્રતા અને સલામતીની ચિંતા, ભય હોવાનો આક્ષેપ કર્યો છે અને `છેલ્લાં દસ-બાર વર્ષથી ભારતમાં હિન્દુ - મુસ્લિમ -
કોમવાદી રાજકારણ ચાલી રહ્યું છે. કોઈને નોકરી મળી છે? ફાયદો કોને થાય છે?' રાજકીય ભયની વાત કરીને એમણે આંદોલનને રાજકીય રંગ આપી દીધો છે. અભિજિતની `ઘોષણા'
પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા રોહિત પવાર અને સુપ્રિયા
સુળે તથા ઉદ્ધવ ઠાકરેએ સમર્થન આપ્યું છે. સમાજવાદી પક્ષ, તૃણમૂલ
કૉંગ્રેસ, આરજેડી અને સીપીએમ પણ આંદોલન આવકારે છે. જ્યારે કૉંગ્રેસ
સાવધાન છે કારણ કે કૉંગ્રેસે ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં આવાં આંદોલન જોયાં છે અને
પરિણામ પણ ભોગવ્યાં છે. શિક્ષણપ્રધાને પરીક્ષા કૌભાંડની તપાસના આદેશ આપ્યા છે અને તપાસ
શરૂ થઈ છે ત્યારે માત્ર રાજકીય ઉદ્દેશથી રાજીનામું માગવામાં આવે છે! રાજીનામું આપે
નહીં તો એમને બરતરફ કરવાની માગણી પણ વધુપડતી છે. રાજીનામું આપે અથવા લઈ લેવાય તો કેન્દ્ર
સરકારની નિષ્ફળતા અને નબળાઈ સાબિત થાય. તપાસનો અહેવાલ આવે ત્યાં સુધી રાહ જોવી જ પડે.
સાત દિવસની મહેતલથી સંવિધાન અને લોકતંત્રને જ નુકસાન થાય - રક્ષણની વાત બાજુએ રહી.
લોકતંત્રમાં ચૂંટાયેલી કોઈપણ સરકાર આવી માગણી સ્વીકારીને શાસન કરી શકે નહીં. જે વિપક્ષો
લાંબો વિચાર કર્યા વિના - માત્ર `મોદી
હઠાવો' માટે કોક્રોચ પાર્ટીને સમર્થન આપી
રહ્યા છે તેમને અરવિંદ કેજરીવાલનું `ઝાડુ' યાદ આવે છે? કોક્રોચ અને ઝાડુની જુગલબંધી ચાલે ખરી?