ગાંધીધામ, તા. 9 : શહેરના સેક્ટર-7 વિસ્તારમાં એક મકાનમાંથી સ્થાનિક પોલીસે
રૂા. 23,392ના 467.85 ગ્રામ ગાંજા સાથે શખ્સને પકડી
પાડયો હતો. ગાંજો આપનાર શખ્સનું નામ બહાર આવ્યું હતું. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં
હતી દરમ્યાન સેક્ટર-7, પૂનમ સોસાયટીમાં
મકાન નંબર-11માં પ્લોટ નંબર 32માં રહેનાર અજય હીરજી સિંચણિયાએ પોતાના
મકાનમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની પૂર્વ અને સચોટ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં
આવી હતી. આ શખ્સને પકડી સાથે રાખી મકાનની તપાસ કરવામાં આવી હતી. દરમ્યાન, તેના આ મકાનમાંથી રૂા. 23,392નો 467.85 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આ પદાર્થ ગાંજો હોવાનું તેને જણાવતાં પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવ્યા હતા અને
પ્રાથમિક પૃથક્કરણ કરાતાં આ પદાર્થ ગાંજો જ હોવાનું ફલિત થયું હતું. પકડાયેલો આ શખ્સ
અગાઉ હત્યા, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા
ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. તેની સામે અગાઉ સાત ગંભીર ગુના
પોલીસ મથકે નોંધાયેલા છે. આ શખ્સની વધુ પૂછપરછ કરાતાં તેને આ ગાંજો શાંતિધામ સોસાયટીનો
મનોજ લંગડો આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી માદક પદાર્થ, મોબાઇલ, ઝીપવાળી કોથળી, વિજાણુ
વજનકાંટો જપ્ત કરાયો હતો. મનોજ લંગડાને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.