• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

182 કરોડનાં કૌભાંડમાં સર્વગ્રાહી તપાસનો ધમધમાટ

ગાંધીધામ, તા. 17 : શહેરમાં 182 કરોડના મ્યુલ બેંક ખાતા કૌભાંડમાં પોલીસે ટેક્સ કન્સલ્ટન્ટ સહિત ચાર શખ્સની ધરપકડ કરી હતી. આ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં તેમના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છના જરૂરિયાતમંદ અને ઓછું ભણેલા લોકોને લાલચ આપી તેમના આધાર-પુરાવા મેળવી તેમના નામે બેંક ખાતા તેમજ જુદી-જુદી પેઢીઓ બનાવી તે બેંક ખાતા વિદેશ કે ભારતમાં ઓનલાઇન સાયબર ઠગાઇ કરતા શખ્સોને પહોંચાડતા હતા અને તે પૈકી ખાતાદીઠ કમિશન મેળવવાનાં કૌભાંડમાં પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ ટોળકીએ જુદાં-જુદાં નામે 81 બેંક ખાતા ખોલાવી તેમાં 182 કરોડ 37 લાખ જમા કરાવવામાં આવ્યા હતા, જેની બેંક ખાતાધારકને તેની જાણ સુદ્ધાં નહોતી. આ પ્રકરણમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને આદિપુર-4-બીના યશ મૂલચંદ ભાટિયા, રાજવીનગર ગળપાદરના સિદ્ધાર્થ સુનીલ સોની, વોર્ડ 3-એ આદિપુરના સાહિલ દિનેશ શર્મા તથા ટેક્સ કન્સલ્ટન્ટ કેશરનગર આદિપુરના અલ્પેશ સુરેશ લુહાર નામના શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સોને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેમના 28/2 સુધી 12 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ટોળકી પૈકી સણવાનો હાર્દિક હરેશ રાજગોર નામનો શખ્સ આવાં જ પ્રકરણમાં સાબરકાંઠાની જેલમાં છે તેમજ આદિપુરના વિજય રાણા, મોટી રવનો વિશ્વરાજસિંહ ઉર્ફે શિવુભા બાલુભા જાડેજા અને રાપરના ઇલુભા મંગુભા જાડેજાને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. 182 કરોડનાં કૌભાંડમાં પકડાયેલી આ ટોળકી કયા-કયા સાયબર ગઠિયાઓને બેંક ખાતા આપતી હતી, તેમના સંપર્કમાં આ ટોળકી કેવી રીતે આવી ? બેંક ખાતાદીઠ કેટલું કમિશન તેમને આપવામાં આવતું હતું, વચેટિયો કોઇ છે કે કેમ ? 81 લોકોના નામે ગાંધીધામ, આદિપુરની એચ.ડી.એફ.સી., એક્સિસ, સાઉથ ઇન્ડિયન, જના બેંક તથા યશ બેંકમાં ખાતા ખોલાવવામાં બેંકના કોઇ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ ? આ ટોળકીએ 81 લોકોનાં નામે સીમકાર્ડ ખરીદ્યા હતા ત્યારે સીમકાર્ડ વેચવામાં પણ કૌભાંડ આચરાયું છે કે કેમ ? તેની તપાસ પોલીસે હાથ ધરી હોવાનું પોલીસવડા સાગર બાગમારે જણાવ્યું હતું. આ 81 બેંક ખાતા પૈકી 74માં પશ્ચિમ બંગાળ, મુંબઇ, તામિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, બિહાર અને તેલંગાણામાં સાયબર ફ્રોડની ફરિયાદ પોર્ટલ ઉપર થઇ છે તે પૈકી પોલીસ મથકોએ ફરિયાદ થઇ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. આ પ્રકરણમાં મૂળ સુધી જવાય તો વધુ કડીઓ ખૂલે તેમ હોવાનું જાણવા મળ્યું હતું. 

Panchang

dd