• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

8 કરોડના ડ્રગ્સ મિશ્રિત ગોળીનો જથ્થો મળી આવ્યો

મુન્દ્રા, તા. 17 : મુન્દ્રા પોર્ટ પર દિલ્હી એટીએસની કાર્યવાહીમાં નિકાસથી રિ કોલ કરેલા કન્ટેનરમાંથી મિસ ડિકલેરેશનના મામલામાં 32 જેટલા કાર્ટૂનમાં 5.15 ટનનો આશરે 17 લાખથી વધારે નંગ પ્રતિબંધિત ટ્રામાડોલ, એલપ્રાઝોલમ, ઝોલપિડેમ, નાઈટ્રોજેપ જેવી પ્રતિબંધિત ડ્રગ્સ મિશ્રિત ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો.  જેની કિંમત અંદાજે 8 કરોડ જેટલો થવા જાય છે. પોર્ટ પર પૂર્વ બાતમીના આધારે અચાનક ધસી આવેલી એ. ટી. એસ. ની ટીમે એક કન્ટેનરને વેસેલમાં ઉતરતાંની સાથે પોર્ટ સ્થિત સી બર્ડ સીએફએસમાં લઈ જઈ તપાસ કરતાં આગળના ભાગે કિચન વેર આઇટમની આડમાં પાછળના ભાગે સંતાડેલો જથ્થો ઝડપાઈ ગયો હતો. આ બાબતે મુન્દ્રા કસ્ટમનાં અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે સમર્થન આપ્યું હતું. દરમિયાન, સૂત્રો પાસેથી મળતી વધુ માહિતી અનુસાર જે કન્ટેનરમાં જથ્થો ઝડપાયો છે, તેના નિકાસકાર મુદગલ એક્સપોર્ટ દ્વારા વર્લ્ડ ટ્રેડ લોજાસ્ટિક નામના કસ્ટમ બ્રોકરે એક શાપિંગ દ્વારા 15 - 10 - 25ના કિચન વેરના નામે આ માલ મુન્દ્રા પોર્ટ પરના સૌરાષ્ટ્ર સીએફએસમાં લોરીમાં લાવવાના બદલે કન્ટેનર દ્વારા ગુજરાતના  કોઈ ગોડાઉનમાં ભરી લઈ આવી મુન્દ્રા કસ્ટમના સૌરાષ્ટ્ર સીએફએસના જે તે અધિકારી દ્વારા પાસ કરાઈને નિકાસ કરી દીધો હતો. પણ, આ માલ પોતાના નિયત સ્થળે પહોંચે તે પહેલાં દિલ્હી એટીએસને બાતમી મળતાં મુન્દ્રા કસ્ટમને સૂચના આપી આ કન્ટેનર પરત બોલાવ્યું હતું.  આજે દિલ્હીના નિકાસકારની હાજરીમાં ખોલતાં અંદરથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપ્યો હતો. એક્સપોર્ટ વખતે કિચનવેર આઇટમના નામે 14,200 ટન વજન દર્શાવ્યું હતું. જેમાંથી 5.15 ટન ગોળીઓ હતી.  આ બાબતે વધુ વિગતો સાથે મુન્દ્રા કસ્ટમના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઝડપાયેલ તમામ જથ્થાની દવાઓ પ્રતિબંધિત છે અને નિકાસ કરવા સરકારની અને નાર્કોટિક્સ સહિતની મંજૂરીઓ જરૂરી છે. જ્યારે આ જથ્થો મુન્દ્રા કસ્ટમમાંથી જ ક્લિયર થઈને ગયો છે, એ અંગે પૂછતાં કહ્યું કે આ બાબતે ચોકકસ તપાસ થશે, અત્યારે આ કેસ દિલ્હી એટીએસ પાસે છે અને પંચનામા સહિતની કામગીરી ચાલુ છે અને દવાઓના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે અને તપાસ પૂર્ણ થયે જો કોઈ અધિકારીની સંડોવણી જણાશે તો તેને સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરાશે.   સૂત્રો વધુ વાત કરતાં જણાવે છે કે, પકડાયેલ જથ્થો કન્ટેનર નં ઝઝકઞ 8927908 જે 40 ફૂટનું હતું. જે તા. 18 - 10 -25 ના મુન્દ્રા પોર્ટ પરથી નિકાસ થયું હતું. આ કેસમાં સંડોવાયેલા વિષ્ણુ શર્મા અને જાવેદખાનની દિલ્હી એ ટી એસ દ્વારા ધરપકડ કરી મુન્દ્રા લવાયા હતા.  - કસ્ટમની સિસ્ટમ મુજબ તપાસ ન થઈ: મુદગલ એક્સપોર્ટ નામના આયાતકારનો જથ્થો સીધો જ કન્ટેનરમાં ભરી લવાયો હતો અને કસ્ટમની સિસ્ટમ અનુસાર તેમની તપાસ જે તે કસ્ટમ અધિકારી દ્વારા કરાઈ હતી કે કેમ એ મોટો પ્રશ્ન છે. કારણ કે જો તપાસ કરાઈ હતી તો તે વખતે જથ્થો કેમ ના ઝડપાયો ? કારણ કે, આ કન્ટેનર સેલ્ફ સાલિંગ ન હતું અને સીએફએસમાં લાવેલા માલની કસ્ટમ તંત્ર દ્વારા ચકાસણી પછી જ નિકાસ કરી શકાય.  આ સમગ્ર બનાવ અંગે મુન્દ્રા કસ્ટમના પીઆરઓ ઉત્કર્ષ ગુપ્તાનો સંપર્ક કરતાં તેમનો ફોન રીસીવ થયો નહતો. શ્રી ગુપ્તાને બીજી વખત પીઆરઓ અને એસ. આઈ. આઈ. બી.અધિકારી તરીકે ચાર્જ મળ્યો છે. ગત વર્ષમાં પીઆરઓ સાથે આર એન્ડ આઈનો ચાર્જ હતો, પણ, આ મામલે વધુ વિગત મળી ન હતી. હવે, આ કેસમાં અહીંના કમિશનર નીતિન સૈની કેવા પગલાં લેશે એના પર મીટ મંડાઈ છે. - શેમાં વપરાય છે આ દવા ?, ભૂતકાળમાં પણ આવો બનાવ  : જાણકારી પ્રમાણે, આ ટેબ્લેટના ઉપયોગમાં ટ્રામાડોલ પેનકિલર, જ્યારે અન્ય ત્રણ ટેબ્લેટનો ઉપયોગ મગજ શાંત કરવા અથવા વધુ પડતું સેવન નશો કરવા માટે વપરાય છે, જેમાં રહેલું કેફિનનું પ્રમાણ પણ છે. ભૂતકાળમાં પણ રાજકોટ સ્થિત એક નિકાસકારનો આવો જથ્થો ઝડપાયો હતો. તેમાં પણ મુંદરા કસ્ટમ તંત્રે માલ ક્લીયર કર્યો હતો અને પોતાના અધિકારીઓનો બચાવ કર્યો હતો. થોડા સમય પહેલાં પોર્ટ ગેટ પર વિદેશી સિગારેટ સાથે બે જેટલા લોકો ઝડપાઈ ગયા હતા, પણ મુંદરા કસ્ટમે કોઈ ઠોસ કાર્યવાહી વગર જવા દીધા હતા 

Panchang

dd