• બુધવાર, 12 માર્ચ, 2025

વરસાણા-ગાંધીધામમાં માર્ગ અકસ્માતમાં બેનાં મોત

ગાંધીધામ, તા. 17 :  અંજાર તાલુકાના વરસાણા નજીક બાઇકને ટ્રકએ હડફેટમાં લેતા બાઇક ચાલક રમેશ ભીખા ચાવડા નામના યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ ગાંધીધામના જવાહર નગર નજીક ટ્રેકટર હડફેટે બાઇક ચાલક અશોક શિવજી સોલંકી (ઉ.વ. 46)નું મોત થયું હતું તેમજ ફતેહગઢ-હમીરપર કેનાલમાં ડુબી જતાં રમેશ બાબુ સોલંકી (ઉ.વ. 22)એ છેલ્લા શ્વાસ લીધા હતા. તથા ભચાઉમાં કામ કરતી વખતે ઉમેશ હરી વિશ્વકર્મા (ઉ.વ. 25)નું અચાનક મોત થયું હતું. નાની ચીરઇ જશોદાધામમા રહેનાર રમેશ ચાવડા નામનો યુવાન બાઇક નંબર જી.જે. 12-ઇ.ડી. 6244 લઇને પોતાના કામથી જઇ રહ્યો હતો. ત્યારે તેને વરસાણા ચોકડીથી ભીમાસર બાજુ જતા માર્ગ ઉપર અકસ્માત નડયો હતો. આ યુવાનના વાહનને કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટ ગાંધીધામના ટ્રક નંબર જી.જે. 12-બી.વાય. 6641એ હડફેટમાં લીધો હતો. જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ગાંધીધામ લઇ જવાયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વાહનચાલક વિરુદ્ધ કિરણ ભીખા ચાવડાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક જીવલેણ બનાવ જવાહરનગર નજીક શ્યામ કાંટા પાસે બન્યો હતો. ગાંધીધામ કાર્ગોમાં રહેનાર અશોક સોલંકી બાઇક નંબર જી.જે. 39-9283 પર મજુરને લઇને જવાહર નગર જઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને હડફેટે લેતા આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં તેનું મોત થયું હતું અજાણ્યા વાહન વિરુદ્ધ કિશન અશોક સોલંકીએ ફરિયાદ નોંધવી હતી. અપમૃત્યુનો એક બનાવ રાપરના ફતેહગઢ હમીરપર કે.બી.સી કેનાલમાં બન્યો હતો. ભીમાસર સોલંકીવાસમાં રહેનાર રમેશ સોલંકી નામનો  યુવાન કેનાલ પાસે ગયો હતો. જ્યાં તે કેનાલમાં પડી જતાં પાણીમાં ગરકાવ થયો હતો. તેની શોધખોળ બાદ આ યુવાનની લાશ ગઇકાલે સવારે મળી આવી હતી. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ભચાઉમાં આવેલા ઉમિયા ગેરેજમાં અપમૃત્યુનો એક બનાવ બન્યો હતો. આ ગેરેજમાં કામ કરનાર મૂળ ઉત્તર પ્રદેશનો ઉમેશ વિશ્વકર્મા નામનો યુવાન ગઇકાલે કામ કરી રહ્યો હતો. દરમ્યાન તેને ચક્કર આવ્યા બાદ મોઢામાંથી ફીણ બહાર આવી ગયું હતું તેને સારવાર અર્થે લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો લાશના વિશેરા લેવાય છે તથા પીએમ રીપોર્ટ બાદ તેમનું સાચું કારણ બહાર આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd