ગાંધીધામ, તા. 9 : ભચાઉ, સામખિયાળી નજીક આવેલા ધોરીમાર્ગ પરના ડિવાઈડરને
તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડતા ત્રણ હોટેલના સંચાલકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ
નોંધાઈ હતી. સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ
વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે 2010માં રોડ બનાવવાનું ચાલુ કર્યું હતં, જે 2013માં પૂર્ણ થયું હતું. સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ હાઈવે
લિમીટેડ કંપનીને 2034 સુધીમાં ધોરીમાર્ગનાં
મેન્ટેનેન્સની જવાબદારી સોંપવામાં આવી છે. રોડમાં કોઈ ખામી, તુટી જવું, ક્ષતિ વગેરે હોય, તો અંજારની આશાપુરા એન્ટરપ્રાઈઝ નામની કંપનીએ દેખરેખ રાખવાની હોય છે. આ કંપનીના અધિકારીઓ હાલમાં
આ રોડની તપાસ કરવા ગયા હતા જ્યાં ભચાઉ નજીક ભચાઉથી ગાંધીધામ તરફ જતાં રોડ પાસે હોટેલ
બજરંગ, આઈ માતા સામે, ગાંધીધામથી ભચાઉ તરફ
જતા રોડ પર હોટેલ સાગર તથા હોટેલ સતલુજ આગળ ડિવાઈડર તુટેલા જણાયા હતા. એક મોટુ વાહન
પસાર થઈ શકે તેટલી હદે અહીં તોડફોડ કરવામાં આવી હતી. આ હોટેલના સંચાલકોએ પોતાના ધંધાકીય
અંગત, આર્થિક લાભ મેળવવા માટે તેમની હોટેલમાં ટ્રક વગેરે વાહનો
પાર્કિંગ કરવા, જમવા આવી શકે તે હેતુથી આ ડિવાઈડર તોડી પાડવામાં
આવ્યા હતા. આ ત્રણેય હોટેલના સંચાલકો સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી
છે.