• ગુરુવાર, 13 માર્ચ, 2025

ભીમાસર પાસે બે કાર ધડાકાભેર અથડાતાં બેનાં મોત

ગાંધીધામ, તા. 9 : રાપર તાલુકાના ભીમાસર નજીક બે કાર સામસામે ભટકાતાં અલ્ટો કારમાં સવાર બાબુભાઇ માદેવા હુંબલ (આહીર) (ઉ.વ. 63) તથા શંભુ ભીખાભાઇ વરચંદ (ઉ.વ. 43)નું મોત થયું હતું, જ્યારે સામે કારમાં સવાર એકને ઇજાઓ પહોંચી હતી. બીજીબાજુ ગાંધીધામના જવાહરનગર નજીક અજાણ્યા ટ્રક-ટ્રેઇલરચાલકે છકડાને હડફેટમાં લેતાં ભીખુગર બાબુગર ગોસ્વામી (ઉ.વ. 35)ને જીવ ખોવાનો વારો આવ્યો હતો તેમજ અંજાર નજીક ઊભેલા કન્ટેનર ટ્રેઇલરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં પાછળનાં વાહનમાં સવાર લાલાકુમાર સુભાષસિંઘ નામના યુવાનનું મોત થયું હતું. ભીમાસર નજીક પાવર હાઉસ પાસે આજે સવારે 11.30ના અરસામાં ગમખ્વાર અને જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ પરથી પસાર થઇ રહેલી અલ્ટો કાર તથા અર્ટિગા કાર બંને સામસામે ધડાકાભેર અથડાઇ હતી, જેમાં અલ્ટોમાં સવાર બાબુભાઇ (રહે. નિંગાળ, તા. અંજાર) તથા શંભુભાઇ (રહે. ચોબારી)ને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી તથા સામે કારમાં સવાર વેલજી રજપૂતને ઇજાઓ પહોંચી હતી. ત્રણેયને અકસ્માત બાદ સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે બાબુભાઇ તથા શંભુભાઇને મૃત જાહેર કર્યા હતા, જ્યારે વેલજી રાજપૂતને સારવાર હેઠળ રખાયા હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. બે લોકોનાં મોતનાં પગલે ભારે ગમગીની છવાઇ હતી. બનાવ અંગે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. વધુ એક જીવલેણ બનાવ ગાંધીધામના જવાહરનગર નજીક પુલિયો પૂરો થતાં રોડ પર બન્યો  હતો. આદિપુરમાં રહેનાર ફરિયાદી કમલેશ વીરા આહીર અને તેનો મિત્ર ભીખુગર છકડો નંબર જી.જે. 24-ડબલ્યુ 6746 લઇને જવાહરનગર બાજુ ગયા હતા, જ્યાં ગ્રીન ગોલ્ડ બેન્શાની બાજુમાં નાના બેન્શામાંથી જલાઉ લાકડાં ભરી બાજુમાં આવેલા શ્રીરામ પ્લોટમાં ખાલી કરી આ બંને પરત ગાંધીધામ બાજુ આવી રહ્યા હતા. ભીખુગર છકડામાં પાછળ બેઠો હતો, જ્યારે ફરિયાદી વાહન ચલાવી રહ્યો હતો, ત્યારે પાછળથી માતેલા સાંઢની માફક અજાણ્યું ટ્રક-ટ્રેઇલર ધસમસતું આવ્યું હતું અને છકડાને ટક્કર મારતાં છકડો પલટી ગયો હતો અને પાછળ બેઠેલો યુવાન નીચે ફંગોળાયા બાદ તેનાં માથાં પરથી તોતિંગ વાહકના પૈડા ફરી વળતાં ભીખુગરનું ત્યાં જ મોત થયું હતું, જ્યારે ફરિયાદીને ઇજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે લઇ જવાયો હતો. હિટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક બનાવ અંજાર પાસે બન્યો હતો. શ્રીનાથજી વર્લ્ડવાઇડ પ્રાઇવેટ લિમિટેડના કન્ટેનર ટ્રેઇલર નંબર જી.જે. 12-બી.વાય. 7892નો ચાલક લાલાકુમાર મુંદરાથી માલ ભરી કડી બાજુ જવા નીકળ્યો હતો. તે અંજાર નજીક પહોંચતાં આગળ જતા વાહનને ઓવરટેક કરવા જતાં આગળ જમણી બાજુ કોઇ જ આડશ કે રિફ્લેક્ટર વગર ઊભેલા ટ્રેઇલર નંબર જી.જે. 12-બી.ટી. 7806માં તેનું વાહન ભટકાયું હતું, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. આગળ ઊભેલા વાહન વિરુદ્ધ નિકેશ કનૈયાલાલ મુલચંદાણીએ ફરિયાદ નોંધાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd