ભુજ, તા. 8: છેલ્લા એક-દોઢ દાયકાથી કચ્છમાં
વિકાસનો પવન ફૂંકાતા આ વિકાસની પાંખે પવનચક્કીના ઉદ્યોગનો પણ ધમધમાટ વધ્યો છે. આ ઉદ્યોગનો
ગેરલાભ ઉઠાવવા નાના વરનોરાની વાયરચોર ટોળકી છેલ્લા દશ વર્ષથી સક્રિય બની અનેક સ્થળેથી
વાયર ચોર્યાના ગુના પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. ત્યારે આ ટોળકી સામે કાયદાનો સકંજો
કસતા એલસીબીએ આ ટોળકીના પાંચ સભ્યો વિરુદ્ધ `ગેંગ' સંબંધિત
ગુનો માધાપર પોલીસ મથકે નોંધાવી ત્રણ આરોપીને ઝડપી લીધા છે અને અન્ય બેને પકડવા ચક્રો
ગતિમાન કર્યા છે. પશ્ચિમ કચ્છમાં ચોરીના વધતા બનાવો અટકાવવા તેમજ અગાઉ ગેંગ બનાવી મિલ્કત
સંબંધિત ગુનાઓ આચરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અટકાયતી પગલાં ભરવા ઉચ્ચ પોલીસ
અધિકારીઓ તરફથી મળેલી સૂચનાના આધારે એલસીબીના પીઆઈ એસ. એન. ચુડાસમા તથા પીએસઆઈ એચ.
આર. જેઠીએ અગાઉ મિલ્કત સંબંધી ગુના આચરેલી ગેંગના આરોપી ઈકબાલ ઉર્ફે એક્કો સીધીક મોખા,
હનીફ જખરા મોખા, સાહિલ ઈશા મોખા, અસલીમ ઉર્ફે સલીમ રાણા મોખા અને સુલતાન જુસબ મોખા (રહે. તમામ નાના વરનોરા,
તા. ભુજ)એ ભુજ, નખત્રાણા, નિરોણા, માધાપર, પદ્ધર,
ખાવડા, જખૌ પોલીસ વિસ્તારમાં વાયરચોરી કરી હોવાના
બનાવો પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. અને આ પ્રવૃત્તિ છેલ્લા દશ વર્ષથી હજુ ચાલુ રાખી
હોવાથી પીએસઆઈશ્રી જેઠી ફરિયાદી બની આ રિઢા વાયર ચોરો સામે ગેંગ (ટોળકી) સંબંધિત કલમો
તળે ગુનો દાખલ કરાવ્યો હતો. પીઆઈ શ્રી ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈશ્રી જેઠી તથા
હે. કો. સુરેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ અને મહિપાલસિંહ પુરોહિત વિગેરે જોડાયા હતા. આ ગેંગના પાંચ
આરોપીઓ પૈકી ત્રણ ઈકબાલ, સુલતાન અને અસલીમ ઉર્ફે સલીમને ઝડપી
લેવાયા છે. જ્યારે હનીફ અને સાહિલને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય
છે, થોડા માસ પૂર્વે પણ ખાવડા પોલીસ મથકે પણ એલસીબીએ આ રીતે વાયરચોર
ટોળકી વિરુદ્ધ `ગેંગ' સંબંધિત ગુનો દાખલ કરી ધેંસ બોલાવી હતી.