ભુજ, તા. 8 : જખૌ પોલીસ મથકના મુદામાલના
રૂમમાંથી થયેલી ચોરી ભુજ એ-ડિવિઝન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલે તેના મિત્રની કારથી
કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ મથકમાં થયેલી આ ચોરી પોલીસ માટે પ્રતિષ્ઠાનો મુદો
હતો. જો કે ફરિયાદના ગણતરીના કલાકોમાંજ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ ચોરી અંગે
તપાસકર્તા જખૌ મરીનના પીઆઈની ખરાડીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સીસીટીવી ચકાસતાં એક બ્લેક કલરનીકાર જોવા મળી
હતી જેના નંબરના આધારે વરુણ ધોરાડિયાની અટક કરી તેની યુક્તિ-પ્રયુક્તિથી પુછતાછ કરતાં
આ સમગ્ર ચોરીનું કાવતરું હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પંડયાએ ઘડયું હોવાનું કબુલ્યું હતું.
બે-એક વર્ષ અગાઉ પ્રવીણ જખૌ પોલીસ મથકમાં એકાઉન્ટ રાઈટર હેડ તરીકે નોકરી કરતો હોવાથી
ત્યાંના પોલીસ મથકમાં જપ્ત થતાં મુદામાલ ક્યાં રખાતા હતા તેનાથી વાકેફ હતો. પ્રવીણે
મોજશોખ ખાતર ભુજના સ્ટેશન રોડ પર પ્રિન્સ હોટેલ પાસે આવેલા એક જામ ટ્રેઈનર તરીકે કામ
કરતા તેના મિત્ર વરુણની બ્લેક વર્ના કાર લઈ જઈને વાયર ચોરીને અંજામ આપ્યો હતો. ભુજના
એ-ડિવિઝન પોલીસ મથકમાં છેલ્લા બે-એક વર્ષથી એકાઉન્ટ રાઈટર હેડ તરીકે નોકરી કરતાં પ્રવીણ
પંડયાની આ ચોરીના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.