ગાંધીધામ, તા. 25 : અહીંના આદિપુર પોલીસના કબજામાં
રહેલા આરોપીએ જીઆઇડીસીમાં આવેલા મકાનની ઓરડીમાં
મોટી માત્રામાં મદિરા છૂપાવી હોવાની બાતમી મળી હતી. જેને પગલે પોલીસે આ સ્થળે દરોડો
પાડીને રૂપિયા 6,87,072નો દારૂ-બિયરનો જથ્થો ઝડપી
પાડયો હતો. આદિપુર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ તાજેતરમાં પૂર્વ
કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મેઘપર બોરીચીમાં પારસનગરમાં રહેતા ઘનશ્યામાસિંહ ઉર્ફે રાહુલાસિંહ
જેઠુભા જાડેજાની અટક કરી લીધી હતી. આ દરમ્યાન શનિવારે બપોરના સમયે આદિપુર પોલીસ પેટ્રાલિંગમાં
હતી, ત્યારે પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીના કબજાના
જીઆઇડીસીમાં આવેલા મકાનમાં શરાબ સંતાડયો હોવાની જાણ થઈ હતી. કાયદાના રક્ષકોએ આ સ્થળે
દરોડો પાડી મકાનની છેલ્લી ઓરડીમાં રાખેલા કબાટમાં તપાસ કરી હતી, જેમાં અંગ્રેજી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ 1176 તથા બિયરના 144 ટીન મળી આવ્યા હતા, જેથી તમામ મુદ્દામાલ કબજે કરાયો હતો. બાદ પોલીસની
કેદમાં રહેલા આ આરોપીની પૂછતાછ કરાઇ હતી, જેમાં મૂળ રાપર તાલુકાના
પલાંસવા અને હાલે મેઘપર બોરીચીમાં મંગલમ સોસાયટીમાં રહેતો રામા વજા ભરવાડ ફોર્ચ્યુનર
કારમાં મદિરા આપી ગયો હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે આ બંને
ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.