• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

જૂના કટારિયા સીમમાં હોટેલમાં ટેન્કરમાંથી થતી ચોરીનું કારસ્તાન પકડાયું

ગાંધીધામ, તા. 24 : પૂર્વ કચ્છ એલ.સી.બી.પોલીસે હાઈવ ઉપર આવેલી હોટેલમાં ટેન્કરમાંથી ડીઝલ અને ખાદ્યતેલની ચોરીનો પદાર્ફાશ કરી એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે મોરબી -સામખિયાળી  નેશનલ હાઈવ ઉપર જૂના કટારિયા સીમમાં  આવેલી ખેમાબાબા હોટેલના સંચાલક આરોપી બાબુલાલ મુકનારામ ચૌધરી (જાટ) પોતાના આર્થિક ફાયદા માટે  અલગ-અલગ ટેન્કરોમાંથી  ડ્રાઈવરોને નાણાં આપવાની લાલચ આપી  ડીઝલ અને ખાદ્યતેલની ચોરી કરી-કરાવતો હોવાની બાતમીના આધારે  દરોડો પાડયો હતો. આ હોટેલમાં છાનબીન દરમ્યાન  અહીંથી  1200 લિટર ડીઝલ કિં. રૂા. 1,06,800, 400 લિટર ખાદ્યતેલ કિં. રૂા. 36 હજારનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આ જથ્થા અંગે  આરોપી  બાબુલાલ પૂરતા આધાર-પુરવા રજૂ કરી શકયો ન હતો. પૂછપરછ દરમ્યાન સંગ્રહિત આ જથ્થો ટેન્કરમાંથી ચોરી કર્યો હોવાનું તહોમતદારે  કેફિયત આપી હતી. પોલીસે આ આરોપીની ધરપકડ કરી ઈલેકટ્રીક પંપ કિં. રૂા. 20 હજાર, 5 હજારની કિંમતના મોબાઈલ ફોન  સાથે કુલ રૂા. 1,67,800નો મુદ્દામાલ  કબજે લીધો હતો. નોંધપાત્ર છે કે, કચ્છના અનેક ધોરીમાર્ગ ઉપર  આવેલી  ખાનગી હોટેલમાં ઊભતા વાહનોમાંથી ચોરી થતી હોવાની અનેક ફરિયાદો સપાટી ઉપર આવી છે. કાયદાના રક્ષકો આ બદીને રોકવા પ્રયત્નશીલ હોવા છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી ન હોવાનો  આક્ષેપભર્યો ગણગણાટ ઊઠયો હતો.    

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang