• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ભચાઉમાં ગળાફાંસો ખાઈ પરિણીતાએ જીવાદોરી ટૂંકાવી

ગાંધીધામ, તા. 1 : પૂર્વ કચ્છમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ જણની જિંદગી ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. ભચાઉમાં યુવાન પરિણીતા રેખાબેન પ્રવીણભાઈ વાઘેલાએ ગળાફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી. અંજાર તાલુકાના જરુ વાડી વિસ્તારમાં વીજળી પડતાં 13 વર્ષીય કિશોર સતીષ બાબુભાઈ આગરિયાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ખડીરના બાંભણકામાં યુવાનનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો ભચાઉના શંખેશ્વર ઓઈલ મીલ પાસે મહાવીર નગરમાં  અકસ્માત મોતનો બનાવ ગત તા. 30ના બપોરે ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. તેણીનો લગ્નગાળો દોઢ વર્ષનો હોવાનું અને સાત મહિનાનું સંતાન હોવાનું પોલીસે કહ્યું હતું. અંજાર તાલુકાના જરુ વાડી વિસ્તારમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 30ના સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી કિશોર પ્લાસ્ટિકનાં છાપરાં નીચે ઊભો હતો, ત્યારે આકાશી વીજળી પડી હતી. ગંભીર ઈજાઓથી તેનું તત્કાળ મોત નીપજ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભચાઉ તાલુકાના ખડીર પંથકના બાંભણકાના બનાવ અંગે મળતી વિગતો મુજબ હતભાગી યુવાના પત્ની બહાર ગયા હતા. પરત આવતાં સુરેશભાઈ બેભાન હાલતમાં જણાયા હતા. જનાણ સી.એચ.સી. ખાતે લઈ જવાતાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang