• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

ગળપાદર જિલ્લા જેલમાં હોટેલ જેવી સુવિધાનો પર્દાફાશ

ગાંધીધામ, તા. 21 : ગળપાદર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બંદીવાનેને આરામદાયક  સુવિધાઓ અપાતી હોવાની ફરિયાદના ગણગણાટ વચ્ચે પૂર્વ કચ્છ પોલીસવડાના નેતૃત્વમાં પોલીસે જેલમાં ગઈકાલે રાત્રિના સમયે આકસ્મિક તપાસ આરંભી હતી. દરમ્યાનમાં   અહીંથી પ્રતિબંધિત દારૂની બોટલ, મોબાઈલ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. સમગ્ર મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આઠ ગુના નોંધાયા હતા. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર  બાગમારે પત્રકાર પરિષદને સંબોધન આપતાં જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના 10થી 10.30 વાગ્યાના અરસામાં એલ.સી.બી, એસ.ઓ.જી, ગાંધીધામ-એ ડિવિઝન, ગાંધીધામ-બી ડિવિઝન અને આદિપુરના અધિકારીઓ અને  કર્મચારીઓની જુદી-જુદી ટીમ દ્વારા ગળપાદર જિલ્લામાં છાનબીન  હાથ ધરાઈ હતી, જેમાં  જેલમાં પ્રતિબંધિત વસ્તુ મળી આવી હતી. પોલીસે આ અંગે વિધિવત રીતે ગુના નોંધીને વધુ તપાસ આરંભી છે.  આ કાર્યવાહીમાં મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ (ગાંધીધામ), રોહિત ગોવિંદભાઈ  ગરવા (મારાજ) (રહે. ગાંધીધામ), શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા (રહે. મોટી ચિરઈ, તા. ભચાઉ), ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી (રહે. ગાંધીધામ), યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (મોટી ચિરઈ, તા. ભચાઉ), રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર (રહે. ઉતર પ્રદેશ) દારૂ પીધેલી હાલતમાં દારૂ સાથે મળી આવ્યા  હતા. આ આરોપી સામે કેફી પીણું પીવા અને દારૂ રાખવા બદલ  સાત ગુના દર્જ થયા હતા. આ ઉપરાંત યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (મોટી ચિરઈ, ગાંધીધામ) પાસેથી એપલનો આઈફોન કિં. રૂા.10 હજાર, રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા પાસેથી આઈફોન 15 પ્રો મેકસ કિં. રૂા. 75 હજાર, હાઈ સિકયુરીટી બેરેકના સુરજીત દેવીસિંગ પરદેશી (મહારાષ્ટ્ર) પાસેથી સેમસંગનો મોબાઈલ કિં. રૂા.5 હજાર, હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા (મોરબી) પાસેથી સાદો કિપેડવાળો મોબાઈલ કિં. રૂા.500 મળી આવ્યો હતો. જે  બદલ આ ચારેય તહોમતદાર વિરુધ્ધ પ્રીઝનર એકટ ગુનો દર્જ થયો હતો. આ કાર્યવાહીમાં હાઈ સિકયુરીટી બેરેકની છત ઉપરથી રોકડા રૂા.50 હજાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 1,40,700નો મુદામાલ કબ્જે લેવાયો હતો. પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે  આરોપી યુવરાજસિંહ વિરુધ્ધ પ્રોહિબિશન, મારમારી, હત્યાનો પ્રયાસ સહિતના ભચાઉ પોલીસમાં 22 ગુના તથા આરોપી મનોજ વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન અને દુધઈ પો. સ્ટેમાં પ્રોહિબિશનની કુલ 24 ફરીયાદ, આરોપી હિતેન્દ્રસિંહ સામે હત્યા, બળાત્કાર સહિત કુલ 12 ગુના, આરોપી સુરજીત વિરુધ્ધ ચકચારી જેન્તી ભાનુશાલી હત્યાકેસમાં ફરીયાદ, શિવભદ્રસિંહ સામે પ્રોહિબિશનના ચાર ગુના, આરોપી રજાક સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત 19 ગુના  નોંધાયા છે. આ ઉપરાંત પોલીસમાં હુમલાના ચકચારી પ્રકરણનો આરોપી યુવરાજ વિરુધ્ધ વધુ એક ફરિયાદ થઈ હતી. જેલ પ્રશાસનને અંધારામાં રાખી કરાયેલી કાર્યવાહીમાં જેલના બંદીવાનોને હોટલ જેવી  સુવિધાઓ અપાતી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. પોલીસની આગામી તપાસ ઉપર સૌની મીટ મંડાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જેન્તી ભાનુશાલી હત્યાકેસના આરોપીને જેલમાં સુવિધા આપવા મુદે એ.સી.બી.એ સફળ છટકું ગોઠવી જેલ અધિક્ષકને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા.  આ બનાવે પણ ભારે ચકચાર સર્જી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang