• રવિવાર, 28 એપ્રિલ, 2024

ગાંધીધામમાં વૃદ્ધા પાસેથી સોનાની ચેઇનની ચીલઝડપથી ભારે ચકચાર

ગાંધીધામ, તા. 28 : શહેરની મુખ્ય બજારમાં ઝંડાચોક નજીક મોપેડ ઉપર જતા વૃદ્ધાના ગળામાંથી રૂા. 60,000ની ચેઇનની ચીલઝડપ કરી ત્રણ શખ્સો નાસી ગયા હતા. શહેરમાં વધતા જતા આવા બનાવોથી લોકોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી હતી. શહેરના એસ.ડી.એક્સ. સાઉથ, વૂડલેન્ડ શો રૂમ બાજુમાં, જૈન મંદિરની સામે રહેનાર વાસુભાઇ લધારામ કલાચંદાણી (ભાનુશાલી)ના પત્ની બનાવનો ભોગ બન્યા હતા. ટ્રાફિક પોલીસચોકી સામે પાન- મસાલાની દુકાન ચલાવતા વૃદ્ધ ગત તા. 26/3ના રાત્રે ઘરે આવ્યા હતા અને બાદમાં પોતે અને તેમના પત્ની ઇશ્વરીબેન મોપેડ લઇને બજારમાં ચક્કર મારવા ગયા હતા. બજારમાં ફરીને વૃદ્ધે મોપેડ?પોતાના ઘર બાજુ વાળ્યું હતું. દરમ્યાન વૂડલેન્ડના શો રૂમ પાસે પહોંચતાં પાછળથી એક્સેસ મોપેડ ઉપર ત્રણ શખ્સો આવ્યા હતા. તીવ્ર ગતિએ આવેલા ત્રણ પૈકી એક શખ્સે પાછળ બેઠેલા વૃદ્ધાના ગળામાં હાથ નાખી દોઢ તોલાની રૂા. 60,000ની સોનાની ચેઇન ખેંચી લીધી હતી અને બાદમાં ત્રણેય શખ્સો પોતાના વાહન ઉપર તીવ્ર ગતિએ નાસી ગયા હતા. ગત તા. 26/3ના રાત્રિના ભાગે બનેલા બનાવ અંગે પોલીસે આજે ફરિયાદ નોંધી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. શહેર અને સંકુલમાં વધતા ચીલઝડપ, વાહનચોરી, ઘરફોડ ચોરીના બનાવોથી લોકો સુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે. અગાઉ બનેલા આવા અનેક બનાવો હજુ પોલીસ શોધી શકી નથી તેવામાં વધુ એક બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang