• રવિવાર, 28 એપ્રિલ, 2024

ભોરારાની માનસિક અસ્વસ્થ પરિણીતા નર્મદા કેનાલમાં ડૂબી

ભુજ/ગાંધીધામ, તા. 27 : માનસિક રીતે અસ્વસ્થ મુંદરા તાલુકાના ભોરારાના 29 વર્ષના યુવા પરિણીતા ભાવનાબેન દીપકભાઇ પાતારિયા નર્મદા કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યાં હતાં જ્યારે લખપત તાલુકાના દયાપરમાં 23 વર્ષીય યુવાન પરિણીતા મુસ્કાન અલીમામદ હુશેન લુહારે, જ્યારે મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેતા 51 વર્ષીય આધેડ રાજેન્દ્રકુમાર અશોક પઢિયારે ગળેફાંસો ખાઇ પોતાની જીવાદોરી ટુંકાવી લીધી હતી. મુંદરા તાલુકાના ભોરારામાં રહેતા 29 વર્ષીય પરિણીતા ભાવનાબેન દીપકભાઇ પાતારિયા માનસિક રીતે અસ્વસ્થ હતાં. ગઇકાલે વહેલી સવારે ભાવનાબેન પોતાના ઘરેથી પોતાની રીતે નીકળી જઇ કોઇ અગમ્ય કારણોસર ગામ પાસે આવેલી નર્મદા કેનાલના પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યાં  હતાં. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ લખપત તાલુકાના દયાપરમાં નવી મસ્જિદ પાસે રહેતા 23 વર્ષીય યુવા પરિણીતા મુસ્કાન અલીમામદ હુશેન લુહારે આજે વહેલી સવાર પહેલાં કોઇ પણ સમયે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળતાં તેને સારવાર અર્થે દયાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મેઘપર બોરીચીની રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર પઢિયારના 15 દિવસ પહેલાં પત્ની સાથે છૂટાછેડા થયા હતા. બાદમાં તેમણે ગઇકાલે સાંજના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang