• શનિવાર, 27 જુલાઈ, 2024

ભારતનો વિજયરથ રોકવો મુશ્કેલ..

- દીપક માંકડ

વાદળી અને પીળો રંગ મિક્સ કરીએ એટલે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક એવો લીલો રંગ રચાય, પરંતુ રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલનો પ્રથમ દડો ફેંકાશે ત્યારથી જ શાંતિ માટે કોઈ અવકાશ નથી... સવા લાખ પ્રેક્ષકોના ચીયરઅપ વચ્ચે બ્લુ રંગનો મહાસાગર મેન ઇન યલોને તણખલાંની જેમ બહાર ફંગોળી દેવા તત્પર છે. રોહિતસેના પરંપરાગત હરીફ ઓસ્ટ્રેલિયા સામે મેદાને પડશે, એ સાથે કરોડો ક્રિકેટપ્રેમીઓનાં દિલના ધબકારા વધી જશે. ભારતમાં 12 વર્ષ બાદ યોજાયેલા ક્રિકેટના મહાકુંભમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ ભવ્ય રમતનું પ્રદર્શન કર્યું છે. એક પછી એક ધરખમ પ્રતિસ્પર્ધીને આસાનીથી શિકસ્ત આપી છે. ફાઇનલ માટે આવાં જ પરિણામની અપેક્ષા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 2003ના વિશ્વકપના આખરી જંગમાં સામસામે હતાં. સૌરવ ગાંગુલીનાં વડપણ હેઠળની ટીમમાં તેંડુલકર-સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓની મૌજુદગીએ ઉમ્મીદ જગાવી હતી, પરંતુ કાંગારુ ટીમે બે વિકેટે 360 રનનો મહાકાય જુમલો ખડક્યા પછી ભારતની ટીમ ડઘાઇ ગઇ અને શરણાગતિભરી હાર સ્વીકારી લીધી હતી. એના બે દાયકા પછી સિનારિયો જુદો છે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને ઉપરા ઉપરી પરાજય આપીને તેમનું ગર્વખંડન કરી ચૂકી છે. આજની ટીમ આક્રમક અભિગમ, સચોટ રણનીતિ અને ખેલાડીઓનાં શાનદાર ફોર્મ થકી આત્મવિશ્વાસથી ફાટફાટ થઇ રહી છે. ઓસ્ટ્રેલિયા પાંચ વખતની ચેમ્પિયન ટીમ છે. તેની શક્તિને ઓછી આંકવાની ભૂલ ન થાય. શરૂઆતમાં ડગુમગુ થયા પછી કાંગારુ ટીમ સતત આઠ મેચ જીતી છે, પરંતુ આ વિશ્વકપમાં રોહિત એન્ડ કંપનીના ભવ્ય રેકોર્ડ અને અભિગમે જીતનો આત્મવિશ્વાસ સીંચ્યો છે. ઓસિનો કેપ્ટન કમિન્સ માને છે કે, મોહમ્મદ શમીને નાથવો મુશ્કેલ છે. બીજા ક્રિકેટ નિષ્ણાતોના મતે લાગલગાટ 10 જીત મેળવનારું ભારત ફાઇનલમાં હારે એવું કોઇ કારણ દેખાતું નથી. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં ભારત ત્રણ વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે અને બે વખત (1983 અને 2011) ચેમ્પિયન બન્યું છે. સ્પર્ધા માટે જો જીતા વો હી સિકંદર કહેવાય છે, પરંતુ રોહિત-વિરાટની સેનાએ પુરવાર કર્યું છે કે, તે જ સિકંદર છે અને સિકંદર જ મહામુકાબલા જીતે છે. સ્પર્ધાની સમીક્ષા કરીએ તો ટીમ ઇન્ડિયાએ અદ્ભુત પ્રદર્શન કર્યું છે. એકાદ-બે ખેલાડી ઉપર ટીમ નિર્ભર નથી રહી. દરેક ક્રમના બેટ્સમેનો અને ગોલંદાજોએ ઘાતકતા, ઉપયોગિતા પુરવાર કરી છે, રણનીતિનો સચોટ અમલ કર્યો છે. પોતાનામાં વિશ્વાસ કેળવ્યો છે અને શત્રુ ટીમ ઉપર તૂટી પડવાની આક્રમકતાએ બાકીનું કામ પૂરું કર્યું છે. રોહિતનું નેતૃત્વ ગજબનું રહ્યું છે. પરિપક્વતા ટીમનું જમાપાસું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ટીમ એકસંપ છે. કોઈ ખટરાગ કે તેજોદ્વેષ નથી. રોહિત ને વિરાટ બંને સુપરસ્ટાર વચ્ચે તાલમેલ જોવા મળે છે. સિરાઝ લાઈનલેન્થમાં સંઘર્ષ કરતો હોય ત્યારે બુમરાહ જઈને માર્ગદર્શન કરે છે. ટીમનો જણે જણ ઓતપ્રોત છે.. એક ચેમ્પિયન ટીમ- વિજેતા ટીમની એવી જબરજસ્ત ઓરા રચાણી છે કે, ભલભલા પ્રતિસ્પર્ધી આ યુનિટ સામે ઘૂંટણિયે પડી ગયા છે. વિરાટનું કેરિયર બેસ્ટ ફોર્મ, શ્રેયસ ઐયર અને ગિલની ઉપયોગિતા, શમીની વેધકતાની ચોમેર ચર્ચા છે. સચિનના વિક્રમો તોડવા માટે વિરાટે વિશ્વકપનો જ ગાળો પસંદ કર્યો એને શુભ સંકેત જ માનવા રહ્યા.. કોઈ પણ રમતનો સિદ્ધાંત છે કે, આખી ટીમ ફોર્મમાં હોય ત્યારે કોઈ પ્રતિસ્પર્ધી વિજયકૂચ રોકી શકતો નથી. પહેલી જ વાર આખે વિશ્વકપ ભારતમાં રમાયો અને ભવ્ય સફળતા મળી એની દુનિયાએ નોંધ લીધી છે. મેદાનોની ભવ્યતા, સ્પોર્ટી વિકેટ, રસાકસી, નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન જેવી બિનપ્રચલિત ટીમની મેચો વખતે પણ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટયા એ આપણી સફળતા છે. આ મેગાસ્પર્ધાએ વિશ્વ ક્રિકેટ વ્યવસ્થા પર પ્રભાવ પાડયો છે. એશિયાની બે પૂર્વ ચેમ્પિયન ટીમ પાકિસ્તાન અને શ્રીલંકા વેરવિખેર થઈને નિષ્ફળતાની ગર્તામાં છે. ગત વખતનાં ચેમ્પિયન ઈંગ્લેન્ડનો સદંતર ધબડકો સૌ માટે આઘાતજનક રહ્યો. ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાનું ફોર્મ હંમેશ મુજબ અનપ્રેડિક્ટેબલ રહ્યું. અફઘાનિસ્તાન એશિયાની ક્રિકેટશક્તિ બનવાની રાહ પર છે. નેધરલેન્ડે પણ કેટલાક અણધાર્યા વિજય મેળવીને સ્પર્ધામાં પોતાની એન્ટ્રી સાર્થક ઠેરવી. ઓસ્ટ્રેલિયાએ પ્રારંભિક નબળા દેખાવ પછી પોતાનો ચિરપરિચિત ટચ મેળવી લીધો છે.. કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.. લાગણીશીલ - કટ્ટર ક્રિકેટપ્રેમીઓની ઊંઘ હરામ છે.. ભારત વધુ એક વિજય સાથે બે એકડાનો શુકનવંતો આંક મેળવે એવી શુભેચ્છા..

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang