• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

છાત્રોની અભિવ્યક્તિને કાયદાનું અનુમોદન

જંતર-મંતર પાસે બનેલી ઘટનાઓના થોડા સમય પછી તરત જ કોર્ટે કહ્યું હતું કે, અરાજકતા ન ફેલાય તે રીતે આંદોલન કરવાનો કોઈ પણ નાગરિકને અધિકાર છે. કોર્ટ ફરીથી વિદ્યાર્થીઓની ભેરે આવી છે. બંધારણની કલમ 142ની અસાધારાણ સત્તાનો ઉપયોગ કરીને પ્રદર્શનકારી યુવા વિદ્યાર્થીઓ સામેની એફઆઈઆર કરવાની તૈયારી બનાવીને એક સંદેશ આપ્યો છે કે, ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. આ આંદોલનમાં એક તરફ કારકિર્દી સામે પ્રશ્નાર્થ મૂકાતાં ધૂંધવાયેલા વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ હતા, તેમનો રોષ અસ્થાને નહોતો. વારંવાર ફૂટી જતા પેપર, પરિણામમાં ગોટાળા સહિતની બાબતોના પુનરાવર્તનથી તેઓ કંટાળ્યા હતા. રજૂઆતની તેમની શૈલી થોડી ઉગ્ર હતી, પરંતુ મુદ્દો ખોટો નહોતો અને કેટલાક તો એવા પણ અહેવાલ હતા કે કોઈ અસામાજિક તત્ત્વોએ આંદોલનને બદનામ કર્યું. લોકતંત્રનું સૌંદર્ય અને પોત કાયદાના શાસનથી સુરક્ષિત રહે, કાયદાનું શાસન  ત્યારે જ જીવંત રહે જ્યારે નાગરિકોને પોતાની અપેક્ષા માટે માગણી કરવાની અને જો તે પૂર્ણ ન થાય તો આક્રોશ વ્યક્ત કરવાની મોકળાશ હોય. વિદ્યાર્થી આંદોલન પછી ભારતની રાજનીતિમાં વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આશ્ચર્ય થાય તેવાં કેટલાક તાત્કાલિક પરિવર્તન જોવા મળ્યાં, તેનું સાતત્ય અને આયુષ્ય કેટલું તે તો સમય કહેશે, પરંતુ યુવા વિદ્યાર્થીઓની નોંધ લેવાતી થઈ ગઈ. એનડીએની સરકારના શિક્ષાપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સહિતની ઘટનાઓ તો બની, પરંતુ સોલિસિટર જનરલે પણ સ્વીકાર્યું કે જેમનો ગુનાહિત ઇતિહાસ છે તેવા તત્ત્વો પૂરતી જ સીમિત તપાસ રહેશે. વાત સ્પષ્ટ છે, ગુનેગારને સજા થવી જ જોઈએ, પરંતુ આદોલન કરે તે દરેક ગુનેગાર એવું માનીને ચલાય નહીં. આંદોલન અધિકાર છે, અરાજકતા નાગિરકનો હક્ક નથી. અદાલતનો દૃષ્ટિકોણ આવકાર્ય છે, આંદોલનના નામે કંઈ પણ કરવાની ગુનેગારને છૂટ ન હોય અને એફઆઈઆરના ડર નીચે વિદ્યાર્થીના ભાવિને કચડી નખાય નહીં. આંદોલન દરમિયાન લાઠીચાર્જ, પેલેટગન સહિતના મુદ્દા ચર્ચામાં રહ્યા હતા. સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીઓ પગલાં ભરી શકે કે નહીં તેવો પણ પ્રશ્ન હતો. આંદોલનકર્તાઓ તરફથી ભાષા વિવેક ન ચુકાવો જોઈએ, તો સામે પ્રશાસને પણ પગલાં લેવામાં સમતા રાખવી જરૂરી છે. હવે સુપ્રીમકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય થયો છે તે સ્પષ્ટ સંકેત છે કે, ભીડ નિયંત્રણ માટે દેશમાં કોઈ સંહિતા નથી. કોઈ અવાજને નિયંત્રિત કરવા માટે લાઠી ક્યારેય વિકલ્પ બની શકે નહીં, વિશેષત: લોકશાહીમાં. કોઈ પણ પ્રદર્શન થાય, વિરોધ થાય તો તે કાનૂન વ્યવસ્થા સામેનું સંકટ નથી, પરંતુ ક્યાંક વ્યવસ્થાની ક્ષતિ છે તે સમજવું પડશે. કોલકાતાના આર. જી. કર હોસ્પિટલના બળાત્કાર પ્રકરણ સમયે આખા દેશના ડોક્ટર્સ રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા. તેને અરાજકતા નહીં, પરંતુ રોષ તરીકે જ જોવું જોઈએ. પેપર લીક જેવી ઘટના વારંવાર બને, વિદ્યાર્થીઓની કારકિર્દી સામે પ્રશ્નાર્થો ઊભા થાય ત્યારે પણ રોષ ફાટી નીકળે તે સહજ છે. આંદોલનના સીસીટીવી ફૂટેજ અને પુરાવા સુરક્ષિત રાખવાનો આદેશ આપીને પારદર્શકતાનો પુરાવો આપ્યો છે. ક્રાંતિના માસ ઓગસ્ટમાં આવેલા આ ચુકાદાને વિદ્યાર્થીની જીતને સરકારની હાર જેવી સ્થૂળ દૃષ્ટિથી મૂલવવાનો અર્થ નથી. એટલી જ વાત છે કે, અભિવ્યક્તિમાં સચ્ચાઈનો રણકો હોય, તે અહિતકારી ન હોય તો તેને કાયદાનું પણ અનુમોદન હોય જ.

Panchang

dd