• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

દુર્ગાપુર : પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ઉધઈ મારવાની દવા ગટગટાવી જીવ દીધો

ભુજ, તા. 19 : માંડવી તાલુકાના દુર્ગાપુર-નવાવાસમાં રહેતી મૂળ છોટાઉદેપુર બાજુની 30 વર્ષીય પરિણીતા સંગીતાબેન વિજયભાઈ નાયકાનું પતિ સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતાં તેને મનમાં લાગી આવતાં ઉધઈ મારવાની દવા ગટગટાવી લેતાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. બીજીતરફ ભુજ તાલુકાના મમુઆરાની એક કંપનીની શ્રમિક વસાહતના રૂમમાં ગઈકાલે પરપ્રાંતીય એવા 13 વર્ષના સગીર હરિઓમ ગંગારામ વર્માએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. મૂળ જોજ (તા.જિ. છોટાઉદેપુર) હાલે નવાવાસ-દુર્ગાપુર (તા. માંડવી) અને વાડા વાડીવિસ્તારમાં રહી ખેતમજૂરી કરતા વિજયભાઈ કુલસિંગભાઈ નાયકાએ ગઈકાલે માંડવી પોલીસ મથકે જાહેર કરેલી વિગતો મુજબ ગત તા. 15/8ના વહેલી સવારે તેમની પત્ની સંગીતાબેન સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતાં પત્ની સંગીતાબેનને મનમાં લાગી આવતાં તેણે ઘરમાં પડેલી ઉધઈ મારવાની દવા પી લીધી હતી. આથી તેને ઝેરી અસર થતાં તા. 18/8ના સાંજે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પીએસઆઈ એમ. કે. પરમારે તપાસ હાથ ધરી છે. બીજી તરફ મમુઆરામાં એચ. ડી. માઈક્રોન કંપનીની શ્રમિક વસાહતમાં રહેતા 13 વર્ષીય હરિઓમ વર્માએ ગઈકાલે સાંજે પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ  લેતાં તેના પિતા ગંગારામ બુદ્ધારામ વર્મા તેને સારવાર અર્થે ભુજની જે. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવી છે.

Panchang

dd