રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદતા પાંચ દેશ ચીન, સ્લોવાકિયા, અઝરબૈજાન,
હંગેરી તથા ભારત પર 100 ટકા ટ્રમ્પ ટેરિફ લાગુ કરવાનો ખરડો અમેરિકાની સેનેટમાં 86 વિરુદ્ધ 11 મતોથી પસાર થતાં ફરી એકવાર
ભારત-અમેરિકા વેપારી અને રાજદ્વારી સંબંધોમાં ફરી તાણ સર્જાઈ છે. જો કે, આ ખરડો યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર
થાય અને એ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પર હસ્તાક્ષર કરે ત્યારે તે કાયદો બનશે.
એવું થાય એ પછી ટ્રમ્પના હાથમાં રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર વધારાનો ટેરિફ નાખવાની
સત્તા આવશે. ભારતને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ મળે છે એનાથી અમેરિકાના પેટમાં કડકડતું
તેલ રેડાય છે. આ પહેલાં પણ ટ્રમ્પે ટેરિફનું શત્ર ઉગામ્યું હતું અને ચાલુ વર્ષે માર્ચમાં
30 દિવસ માટે રશિયન ઓઈલ પર ભારતને
ટેરિફમાં રાહત આપી હતી અને બે એક્સ્ટેન્શન આપી ડેડલાઈન સત્તરમી જૂન સુધી વધારી હતી.
જૂન મહિનામાં ભારતની કુલ ક્રૂડતેલ આયાતમાંથી 48 ટકા હિસ્સો રશિયન તેલનો હતો. આ પગલું ભારત પર વ્યૂહાત્મક દબાણ
લાવવા માટે હોવા છતાં નિષ્ણાતોનું માનવું છે કે,
રશિયન ક્રૂડ પર ભારતનો મદાર દેખાય છે એટલો એકતરફી નથી. વળી, વિશ્વમાં ક્રૂડતેલની તંગી નથી અને ભારતે આ પહેલાં પણ અન્ય દેશો પાસેથી ક્રૂડની
ખરીદી કરી ટ્રમ્પ ટેરિફને ચકમો આપ્યો હતો. જો કે, 100 ટકા ટેરિફની અસર કાપડ, એન્જિનીયારિંગ ગૂડ્સ, દવાઓ અને હીરા-દાગીનાં જેવાં ક્ષેત્રો પર પડી શકે છે. જો કે, આનાં કારણે અમેરિકન નાગરિકો માટે પણ આ વસ્તુઓ મોંઘી થશે. રશિયા-યુક્રેન યુદ્ધ
પહેલાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતું નહોતું. રશિયા પાસેથી ખરીદી કરવાનું સૌથી
મોટું કારણ ઓછો ભાવ અને વધુ ઉપલબ્ધિ હતી. આપણી પાસે સપ્લાયરોની કમી નથી અને બજારમાં
ક્રૂડની તંગી પણ નથી. હા, રશિયાને બદલે અન્યત્રથી ખરીદી કરવામાં
વધારે ભાવ આપવા ઉપરાંત ક્રૂડ લાવવાનું નૂર ભાડું વધી શકે છે અને ક્રૂડના બ્લેન્ડિંગમાં
ફરકને કારણે રિફાઈનરીઓના નફાના ગાળા પર અસર પડી શકે છે. જો કે, સારી વાત એ છે કે, આપણી રિફાઈનરીઓ વિશ્વના વિવિધ ક્રૂડ
ગ્રેડ્સ પર પ્રક્રિયા કરવા માટે સજ્જ છે. અમેરિકાની નજર ભારતના કૃષિ અને ડેરી ઉદ્યોગમાં
પગપેસારો કરવા પર છે, જેમાં અમેરિકન કંપનીઓને પૂર્ણ પ્રવેશની
છૂટ નવી દિલ્હી આપી રહી નથી, આથી ટ્રમ્પ વારંવાર ભુરાટા થાય છે.
ભારત અને ચીન રશિયન ક્રૂડ ખરીદવાનું બંધ કરે તો એની અસર યુરોપિયન માર્કેટ પર થઈ શકે
છે, જે રશિયન ક્રૂડમાંથી આ બે દેશોની રિફાઈનરીઝમાં બનેલાં પેટ્રોલિયમ
ઉત્પાદનો પર મદાર રાખે છે. શક્યતા એવી છે કે, શિયાળામાં યુરોપને
ડીઝલની તંગીનો સામનો કરવાનો આવી શકે છે. ટૂંકમાં, અમેરિકાનો દાવ
ભારતનું નાક દબાવવાનો છે, પણ એમાં યુરોપનો શ્વાસ અદ્ધર થઈ શકે
છે અને એની અમેરિકન ગ્રાહકોને પણ પેટ્રોલિયમ પેદાશોની વધતી કિંમતોની ઝાળ લાગી શકે છે.