નવી દિલ્હી, તા. 19 : દેશના આર્થિક
વિકાસ માટે એક મજબૂત આધાર તૈયાર કરવાના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં
વડપણ હેઠળ કેન્દ્રિય મંત્રી મંડળે બુધવારે રેલવે અને રસ્તાઓની પરિયોજનાઓ માટે 13 હજાર કરોડ રૂપિયાથી વધુ ભંડોળ
મંજૂર કર્યું હતું. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રિયમંત્રી અશ્વિની વૈષ્ણવે આ ફેંસલાઓની
જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આ રોકાણ
દેશના મહત્ત્વપૂર્ણ હિસ્સાઓમાં સંપર્કના મજબૂત સેતુ રચી, આર્થિક
વિકાસને ગતિ આપવાનું કામ કરશે. સરકારે દેશના પૂર્વ અને દક્ષિણી ભાગોમાં રેલનેટવર્ક
વધુ સુદૃઢ કરવા પર વિશેષ ધ્યાન આપ્યું છે. દક્ષિણ ભારતમાં કનેક્ટિવીટીને મજબૂત કરવાના
હેતુ સાથે 2229 કરોડ રૂપિયાનું
રોકાણ કરાશે. ઓરિસ્સાનાં ઔદ્યોગિક બંદરીય ક્ષેત્રો માટે આ કામગીરી મહત્ત્વપૂર્ણ બનશે.
સાથોસાથ કેન્દ્ર સરકારે રસ્તાઓના સેતુઓ મજબૂત કરવાને પણ પ્રાથમિકતા આપી છે. બિહારના
મુજફ્ફરપુરથી સીતામઢી થઈને સોનબરસા સુધી ફોરમેન માર્ગ 3591 કરોડના ખર્ચે કરાશે. આ તમામ
રેલવે અને માર્ગ પરિયોજનાઓ કુલ મળીને 13041 કરોડ રૂપિયાથી વધારે રોકાણ થશે. આ રોકાણ માત્ર દેશના વિવિધ ભાગોને
જ નહીં જોડે પરંતુ રોજગારીની નવી તકો ઊભી કરવા સાથે આર્થિક વિકાસને પણ વેગ આપશે.