ભુજ, તા. 19 : મુંદરા તાલુકાના ટપ્પર અને
વાંકી સીમના 55 જેટલા વીજ થાંભલા ઉપરથી આશરે
8250 મીટર વાયર જેની કિં. રૂા. 4,75,000 કોઇ અજાણ્યા ચોર ઇસમો ઉતારી
ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત અબડાસાના લઠેડી અને ખુઅડા સીમની પવનચક્કીમાંથી પણ કુલ રૂા.
81,300ના વાયરની તસ્કરી થયાની ફરિયાદ
નોંધાઇ છે. ગઇકાલે પ્રાગપર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ તા. 17/8ના રાતથી સવાર દરમ્યાન કોઇ
અજાણ્યા ચોર ઇસમોએ ટપ્પર ગામની સીમ અને વાંકી ગામની સીમમાંના રાજપૂત એસોસિયેશન તથા
કે.વી.જી.જી.એન. કંપનીના અલગ-અલગ લોકેશન પર ખુલ્લામાં આવેલા 55 જેટલા વીજ થાંભલા ઉપરથી આશરે
8250 મીટર વાયર જેની કિં. રૂા. 4,75,000ની ચોરી કરી લઇ ગયા છે. પોલીસે
ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત કોઠારા પોલીસ મથકે ખાનગી સિક્યુરિટી
સર્વિસના ફિલ્ડ સુપરવાઇઝરે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 1/7થી 6/8 દરમ્યાન લઠેડી અને ખુઅડા સીમમાં
સુઝલોન કંપનીની પવનચક્કીઓમાંથી અલગ-અલગ કેબલ જેની કુલ કિં. રૂા. 81,300ની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી
કરી લઇ ગયા છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી છાનબીન આદરી છે.