• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

યુપીઆઈ: ફ્રીથી ફી સુધી

શરૂઆતમાં મફત કે સાવ નજીવી કિંમતે સેવા-સુવિધા આપી ગ્રાહકોને આકર્ષિત કરવા અને એકવાર લોકોને તેની આદત પડી જાય એ પછી મુનસફી મુજબ ભાવવધારો કરવાની રીત-રસમ મોટી કંપનીઓ અપનાવતી હોય છે. આવું જ કંઈક કેન્દ્ર સરકાર પણ યુપીઆઈ (યુનિફાઈડ ઈન્ટરફેસ) વ્યવહારો પર શૂલ્ક નાખી કરવા માગે છે, એવી છૂપી દહેશત લોકોમાં ફેલાઈ છે. આનું કારણ એ કે, હાલમાં જ ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ-2026 લોકસભામાં વિરોધ પક્ષોની ધમાલ વચ્ચે ધ્વનિમતથી પસાર થયો. આ વ્યાપક સુધારા ખરડાની ઘાસની ગંજીમાં સોય જેવો એક નાનકડો ચાર્જ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ-2007ની કલમ 10એમાં સુધારો કરી ઉમેરાયો છે. શું છે આ સુધારો? આ કલમની જોગવાઈ મુજબ, યુપીઆઈના ઉપયોગ બદલ ચાર્જ વસૂલવા પર બેન્ક અને પેમેન્ટ કંપનીઓને મનાઈ હતી. આ સુધારાના પગલે હવે સરકાર ઇચ્છે ત્યારે ચોક્કસ પેમેન્ટ પદ્ધતિ પર અથવા નિયત મર્યાદાના વ્યવહાર પર ફી વસૂલવા માટેના નિર્દેશો આપી શકે છે. નાણાં ખાતાએ સ્પષ્ટતા કરી છે કે, યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવાથી ચાર્જ નહીં લાગે. જો કે, રૂા. 2000થી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર નજીવી ફી વસૂલાશે એવી ચર્ચા છે. આજની તારીખમાં આ સુધારાથી ટેકનિકલી કશું જ બદલાયું નથી, પણ જે બાબત અત્યાર સુધી કાયદા દ્વારા નિ:શુલ્ક હતી, તે હવે સરકારની ઇચ્છા હશે ત્યાં સુધી જ ફ્રી રહેશે. ગત જુલાઈ મહિનામાં યુપીઆઈ દ્વારા 23.66 બિલિયન વ્યવહારો થયા, જેનું મૂલ્ય રૂા. 30 લાખ કરોડની આસપાસ પહોંચ્યું છે. આ ઉત્સાહજનક આંકડા એક વચનના પાયા પર ઊભા થયા છે - યુપીઆઈના ઉપયોગ પર કોઈ ચાર્જ નહીં લાગે. હજી ગયા વર્ષે જૂન મહિનામાં યુપીઆઈના ઉપયોગ પર ફીના અહેવાલોને અફવા ગણાવી નાણાં મંત્રાલયે ખાતરી આપી હતી કે, આ પાયાવિહોણી અને ગેરમાર્ગે દોરનારી વાતો છે, પણ 14 મહિના બાદ આ મંત્રાલયને એ સત્તા મળી છે, જે પોતાના હાથમાં લેવા માગતું નથી એવી બાંહેધરી આપી હતી. એક કાળે ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) વસૂલવામાં આવતો, પણ 2020માં યુપીઆઈ પર એમડીઆર રદ કરાતાં ડિજિટલ પેમેન્ટમાં તેજી આવી. જો કે, યુપીઆઈ સેવાના માળખાકીય તથા ટેક્નોલોજિકલ સુવિધાનો ખર્ચ બેન્ક તથા સેવા પ્રદાતાઓ ઉપાડે છે, સરકાર તેમને અનુદાન પેટે ચોક્કસ રકમ આપે છે. હવે, વ્યવહારની સંખ્યા વધતાં ખર્ચ પણ વધી રહ્યો છે. બેન્કો દ્વારા લાંબા સમયથી આ વ્યવહારો પર ફીની માગણી થઈ રહી છે અને આરબીઆઈએ પણ આડકતરી રીતે તેને સમર્થન આપ્યું છે. હવે, કાયદામાં સુધારો કરી સરકારે આ ફીની આકારણી પોતાના હસ્તક કરી હોવાથી ચિંતા થવી સહજ છે. સરકાર દ્વારા અપાયેલા વિશ્વાસ અને ખાતરી પર ઊભી થયેલી યુપીઆઈ સિસ્ટમને ટકાવવા માટે સૌને વિશ્વાસમાં લઈને આગળ વધવામાં જ સમજદારી છે અન્યથા ડિજિટલ ઈન્ડિયાની ગાડી ખડી પડશે.

Panchang

dd