મુંદરા, તા. 19 : અહીંના રાસાપીર સર્કલ પાસે
પૂરપાટ આવતાં એક ટ્રેઈલરે અકસ્માત સર્જ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ચારેક લોકો
ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ
અકસ્માતનાં પગલે ઘટનાસ્થળે ઘાયલોને બચાવવા દોડધામ મચી હતી. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને અદાણી એમ્બ્યુલન્સની
મદદથી સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની
સારવાર ચાલી રહી છે. આ અકસ્માત બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. એક વીડિયોમાં
રોડની સાઈડ પાસેની કાળા-પીળા પટ્ટાવાળી પથ્થરોની દીવાલ નીચે એક શખ્સ દબાઈ જતાં તેને
બહાર કાઢતા લોકો દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે, રાસાપીર સર્કલ
નજીકનો આ માર્ગ લાંબા સમયથી અકસ્માત ઝોન બની ગયો છે. અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો સર્જાઈ
ચૂક્યા છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોએ માર્ગ સલામતી માટે જરૂરી પગલાં ભરવા અને અકસ્માતોને રોકવા માટે તંત્ર
દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.