શાંતિલાલ લીંબાણી દ્વારા : વિથોણ (તા. નખત્રાણા), તા. 19 : ભુજ-નખત્રાણા
માર્ગે લાખાડી ગામ નજીક આવેલાં પૌરાણિક પુંઅરેશ્વર
મંદિર સાથે અનેક કથાઓ જોડાયેલી છે, છતાં બે દાયકાથી વધુ સમયથી મંદિરનું નિર્માણકાર્ય ગોકળગતિએ ચાલુ છે. મંદિર
સાથે હજારો ભાવિકોની આસ્થા જોડાયેલી છે અને મંદિરની વર્તમાન પરિસ્થિતિથી ભાવિકોની લાગણી
દુભાય છે. પ્રાપ્ત વિગતો મુજબ મંદિર અને મંદિર પરિસર ઉપર પુરાતત્ત્વ વિભાગની લક્ષ્મણરેખા
અંકિત હોય તેવું જણાયું હતું. પશ્ચિમ કચ્છના અનેક મંદિરોનાં પુન:નિર્માણ થયાં છે. ના.
સરોવર, કોટેશ્વર, માતાના મઢ, હાજીપીર જેવા ધાર્મિક સ્થાનોનો વિકાસ થયો છે, પરંતુ પુંઅરેશ્વર
મહાદેવ મંદિરનું પુન: નિર્માણકાર્ય અધૂરું હોવાની ફરિયાદો ઊઠી હતી. મંદિરના દર્શન માટે
એસ.ટી. વિભાગે સ્ટોપ આપ્યો છે. લાંબા રૂટની બસો યાત્રિકોને દર્શન કરવા માટે બસને થોભાવે
છે. લાખાડી ગામના અગ્રણી અરવિંદસિંહ જાડેજાના જણાવ્યા મુજબ રજૂઆત કરીએ તો થોભો ને રાહ
જુવો એક જ જવાબ મળે. દર્શન માટે આવતા ભાવિકો પણ શિખરવિહોણું મંદિર જોઇને બળાપો ઠાલવે
છે. શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવભક્તો દર્શનાર્થે આવે છે, પરંતુ
શિખરવિહોણાં મંદિરની દશા જોઇને દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. વિથોણના શિવભક્ત મંગલભાઇ
જોષીએ 22 વર્ષથી ચાલતાં મંદિરના નિર્માણકાર્યમાં
કયા ગ્રહો નડે છે તેમ જણાવતાં નિરાશા વ્યક્ત કરી હતી. મંદિરની આસ્થા સાથે લાખાડી, પલીવાડ, આણંદપર,
મોરગર, સાંયરા, દેવપર (યક્ષ),
વિથોણ વિગેરે ગામોના ભાવિકભક્તો જોડાયેલા છે અને મંદિર પરિસરને તીર્થધામ
બનાવવા માંગ કરી રહ્યા હોવાનું જણાવાયું છે.