નવી દિલ્હી તા.19: બીડબ્લ્યૂએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતની સ્ટાર ખેલાડી
પીવી સિંધુ અને સાત્વિક-ચિરાગની જોડી પ્રી કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. જયારે લક્ષ્ય
સેન અને ઉન્નતિ હુડ્ડા બહાર થયા છે. પીવી સિંધુનો બીજા રાઉન્ડમાં કેનેડાની ખેલાડી વાય
ઝેંગ વિરૂધ્ધ 3પ મિનિટમાં 21-16 અને 21-17થી શાનદાર વિજય થયો હતો.
પુરુષ વર્ગના રાઉન્ડ ઓફ 32માં ભારતનો સ્ટાર ખેલાડી લક્ષ્ય સેન અમેરિકાનો જૂનિયર નંબર વન
ગૈરેટ ટાન વિરૂધ્ધ 21-19, 19-21 અને 17-21થી હારીને
ટૂર્નામેન્ટની બહાર થયો હતો. મહિલા વર્ગમાં ઉન્નતિ હુડ્ડાની સફર પણ બીજા રાઉન્ડમાં
સમાપ્ત થઇ હતી. તેને કેનેડાની ખેલાડી મિશેલ લીએ રસાકસી બાદ 21-11, 9-21 અને 21-23થી હાર આપી હતી.
બીજી તરફ તનીષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની મિશ્રિત જોડીએ મકાઉના
લિયોંગ ચોંગ અને નેગ વેંગને 21-11 અને 21-11થી હાર આપી પ્રી કવાર્ટર ફાઇનલમાં
જગ્યા બનાવી હતી. જયારે મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગની જોડી પણ વર્લ્ડ ચેમ્પિયનશિપના
પ્રી. કવાર્ટરમાં પહોંચી છે. તેમને પહેલા રાઉન્ડમાં બાય મળી હતી. આજે બીજા રાઉન્ડના
મેચમાં હરીફ જોડી સ્કોટલેન્ડનીએ ફિટનેસ સમસ્યાને લીધે વોકઓવર આપી દીધો હતો. આથી સાત્વિક-ચિરાગ
રાઉન્ડ-16માં પહોંચી ગયા છે.