નવી દિલ્હી, તા. 19 : વીમા વગર
વાહન ચલાવનારા નાગરિકો સામે આકરું વલણ અપનાવતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક
નિર્દેશમાં જણાવ્યું હતું કે, વીમા
વિના પેટ્રોલ જ ન અપાય, તેવી વ્યવસ્થા ઊભી કરો. અદાલતે સરકારને
કહ્યું હતું કે, પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરો, જેની શરૂઆત દિલ્હીથી કરી શકાય, જેમાં વાહનનો વીમો ન હોય
તો તેવા વાહનધારકને પેટ્રોલ નહીં મળે. જસ્ટિસ સંજય કરોલ અને પ્રશાંતકુમાર મિશ્રાની
ખંડપીઠ સમક્ષ આ મામલો આવ્યો હતો. કેન્દ્ર સરકાર વતી હાજર વકીલે ચોથી ઓગસ્ટના સુપ્રીમના
જ આદેશનો સંદર્ભ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પેટ્રોલિયમ
અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયને આવી વ્યવસ્થા કરવાના સંબંધમાં કેટલીક ચિંતાઓ છે. આવી
વાત પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આપે આવી વ્યવસ્થા લાગુ
કરવી જ પડશે. સરકારના વકીલોએ કહ્યું હતું કે, ઓઇલ કંપનીઓએ પેટ્રોલ
પમ્પ ડીલરો સાથે બેઠક કરવી પડશે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને એક નક્કર પ્રસ્તાવ
આપવા પણ જણાવ્યું હતું, જેમાં ચોથી ઓગસ્ટના નિર્દેશ લાગુ કરવાની
સમયસીમા બતાવવી પડશે. સુપ્રીમ કોર્ટે થર્ડ પાર્ટી વીમા વગર મોટી સંખ્યામાં માર્ગો પર
દોડતાં વાહનો અંગે ચિંતા દર્શાવી હતી. વાહનનો વીમો કરાવનારને જ ઇંધણ મળે તેવી વ્યવસ્થા
સુપ્રીમ ઇચ્છે છે.