• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

નાલાસાર વિવાદથી સર્જાઈ અનિચ્છનીય કડવાશ

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) તેનાં આંદોલન બાદ યુવાનોમાં સતત વિરોધની આગ ભડકાવવામાં કોઈ તક જતી કરતી નથી. નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી ઓફ લો (નાલાસાર) દ્વારા તેના દીક્ષંાત સમારંભમાં દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને અપાયેલાં આમંત્રણનો અમુક વિદ્યાર્થીઓએ વિરોધ કરતાં વિવાદ જાગ્યો છે. આમ તો આ વિવાદ વધી પડતાં મુખ્ય ન્યાયાધીશે પોતે આ આમંત્રણનો સ્વીકાર કર્યે ન હોવાની સ્પષ્ટતા કરીને વાતનો અંત આણવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. જો કે, દેશના મુખ્ય ન્યાયાધીશને આમંત્રણનો વિરોધ કરવાના ઘટનાક્રમે દેશમાં મોટાભાગના વર્ગોમાં નારાજગી જગાવી છે. આના અનુસંધાનમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)એ નાલાસારના તમામ વિદ્યાર્થીઓની સામે શિક્ષાત્મક પગલાં લેવાના આદેશે દેશભરમાં વિરોધ અને વિવાદનો નવો મોરચો ખોલી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે થોડા સમય અગાઉ યુવાનોના એક વર્ગને કોકરોચ સાથે સરખાવતી કહેવાતી ટિપ્પણીએ સીજેપી આંદોલનના બીજ વાવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નાલાસારમાં દીક્ષંાત સમારોહમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ અપાયાનો અમુક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. સીજેપીએ આ વિદ્યાર્થીઓને સમર્થન જાહેર કર્યું હતું. આને પગલે દેશભરમાં નરાજગી પણ જાગી હતી. બીસીઆઈના અધ્યક્ષેઁ વિદ્યાર્થીઓની સામે વિચિત્ર આદેશ જાહેર કરીને નાલાસારના 2026માં સ્નાતક  થયેલા તમામ વિદ્યાર્થીઓને નવો આદેશ અપાય નહીં ત્યાં સુધી દેશભરની બાર કાઉન્સિલોમાં વકીલ તરીકે નોંધણી સામે મનાઈ ફરમાવી દીધી હતી. હાલત એવી થઈ છે કે, અમુક વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવા સામેની નારાજગી વિસરાઈ ગઈ છે અને બીસીઆઈ દ્વારા કરાયેલા આદેશ સામે વિરોધ વધી રહ્યો છે. અમુક વિદ્યાર્થીએ મુખ્ય ન્યાયાધીશનો વિરોધ કર્યો એટલે બાકીના તમામ વિદ્યાર્થીઓને દોષી ગણીને તમામની સામે પગલાં લેવાના બીસીઆઈના આદેશે તેમના ભવિષ્યને જોખમમાં મૂક્યું હોવાની ચર્ચા છેડાઈ છે. ફરી એક વખત વિરોધના અધિકારની વાતો થવા લાગી, વધતા વિવાદને રોકવા બીસીઆઈએ આ આદેશને રદ કર્યો છે. ખુદ મુખ્ય ન્યાયાધીશે પોતે આવાં આમંત્રણનો સ્વીકાર કર્યો ન હોવાનો ખુલાસો કરીને પોતે વિદ્યાર્થીઓના અધિકારની તરફેણમાં હોવાની વાત કરી છે. હવે બીસીઆઈ અને તેનું  લાંબા સમયથી અધ્યક્ષપદ સંભાળતા ભાજપના રાજ્યસભાના સાંસદ ધારાશાત્રી મનનકુમાર મિશ્રાની સામે વિરોધનો મોરચો ખૂલ્યો છે. મિશ્રા આ આદેશ પર લઈને દિલગીરી પણ વ્યકત કરી ચૂક્યા છે, પરંતુ વિરોધના નવા મોરચામાં બીસીઆઈની કાર્યપદ્ધતિ સામે પણ સવાલ ઊભા થવા લાગ્યા છે. હાલે યુવાનોના મિજાજને ધ્યાનમાં લઈને સરકાર હોય કે ન્યાયતંત્ર હોય તમામે તેમની લાગણીઓને જાળવીને કોઈ પણ નિર્ણય કે વલણ લેવાની કાળજી રાખવી જોઈશે.

Panchang

dd