ગાંધીધામ, તા. 19 : સસ્તું સોનું વેચાતું આપવાની
લાલચમાં રાજસ્થાનથી સોનું ખરીદવા આવેલા યુવાનનું ગાંધીધામમાં અપહરણ કરી રોકડા રૂા.
25 લાખની લૂંટ ચલાવી હોવાનો મામલો
સપાટી ઉપર આવ્યો હતો. રાજસ્થાનનાં બિકાનેરમાં અનાજ લે-વેચના વેપાર સાથે જોડાયેલા રામનિવાસ
જગદીશપ્રસાદ શર્માએ આદિપુરના કાદરશા ગુલામશા સૈયદ,
વિશાલ નામનો શખ્સ તેમજ અન્ય બે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો
હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીને
ગાંધીધામના ગળપાદરમાં રહેતા ઘનશ્યામ ઉપાધ્યાયે પોતાના મિત્રો 24 કેરેટ સોનાનું 100 ગ્રામનું બિસ્કિટ રૂા. 11.20 લાખમાં આપતા હોવાની વાત કરી
હતી. સસ્તું સોનું લેવાની લાલચમાં ફરિયાદી
અને બિકાનેરમાં સોનાનો શો-રૂમ ચલાવતા તેમના મિત્ર પવનકુમાર સ્વામી સાથે રાજસ્થાનથી
ગાંધીધામ આવ્યા હતા. દરમ્યાન ઘનશ્યામ, દીપક અને વિશાલે મળવા આવ્યા હતા. બે-ત્રણ દિવસમાં સોનું આવશે તેવી વાત કરી
હતી. ફરિયાદી તથા તેમના મિત્રને હોટેલનું ભાડુ ન ભરવું પડે તેમ કહીને ગાંધીધામની હોટેલમાંથી
ચેકઆઉટ કરાવીને ગળપાદરમાં રાજવીબાગ સોસાયટીમાં ઘનશ્યામભાઈના મકાન નં.49માં રોકાવવા માટે લઈ જવાયા હતા. અહીંથી
ભોગબનનાર તથા તેમના મિત્ર પવનકુમાર અને ઘનશ્યામભાઈને ગાડીમાં બેસાડીને ઝોન ગોલાઈ પાસે
લઈ જવાયા હતા. દરમ્યાન સફેદ
રંગની ક્રેટા ગાડીમાં આવેલા અન્ય આરોપીએ નાણાં હોવાની ખરાઈ કર્યા બાદ આરોપી વિશાલે
ફરિયાદીના મિત્ર પવનકુમાર અને ઘનશ્યામને ક્રેટા ગાડીમાં સોનાની તપાસ કરવાનું કહી ગાડીમાં
નીચે ઉતાર્યા હતા. આ બંને જણ થોડા ડગલાં ચાલ્યા બાદ ફરિયાદી જે ગાડીમાં બેઠા હતા, તે ગાડીના ચાલકે અચાનક પૂરઝડપે ગાડી હંકારી
મૂકી હતી, જેનાથી ડરેલા ફરિયાદીએ હેન્ડ બ્રેક મારી હતી. દરમ્યાન
વિશાલ નામના આરોપીએ ફરિયાદી પાસે રોકડા રૂા. 25 લાખ ભરેલી બેગ આંચકી લીધી હતી.
ચાલકને પિસ્તોલ કાઢ પિસ્તોલ તેવી વાત કરી હતી, જેનાથી ડરેલા ફરિયાદી યુવાન ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા. ગાડીમાં બેસીને આરોપીઓ
નાસી ગયા હતા. ત્યારબાદ આરોપી વિશાલનો ફોન સ્વિચઓફ થયો હતો. ભોગબનનાર યુવાને રાજસ્થાનથી
આંગળિયા મારફતે રોકડા રૂા. 25 લાખ મગાવ્યા હતા. પૂર્વ આયોજિત કાવતરાં સાથે અંજામ અપાયેલા ગુના
અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ ગત તા.18/8 ના બપોરે 3થી રાત્રિના
2 વાગ્યાના અરસામાં બન્યો હતો.