ગાંધીધામ, તા. 19 : ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં
બનાવટી દારૂ પીવાના કારણે ત્રણ લોકોનાં મૃત્યુ
થયાં બાદ પોલીસબેડામાં દોડધામ મચી હતી. આ બનાવને લઈને રાજ્યનું પોલીસતંત્ર એક્શન
મોડમાં આવ્યું છે. દિવસભર પોલીસની દોડધામ વચ્ચે આ ઘટનાના તાર ભચાઉમાં જોડાયેલા હોવાનાં
અનુમાન સાથે તપાસનો ઘમઘમાટ આદરવામાં આવ્યો છે. પોલીસે ભચાઉમાંથી શંકાસ્પદ કેમિકલનો
જથ્થો ઝડપી પાડયો હોવાના અહેવાલ સાંપડયા હતા. ભાવનગરના નકલી દારૂકાંડ બાદ રાજ્યના ગૃહમંત્રી
હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉચ્ચપોલીસ અધિકારીઓ સાથે તાકીદે બેઠક યોજી સ્થિતિ
સમીક્ષા સાથે જરૂરી ચર્ચા હાથ ધરી હોવાની વિગતો પણ સાંપડી હતી. રાજ્યભરના ચકચાર જગાવનારા
આ પ્રકરણ બાદ પૂર્વ કચ્છ પોલીસે ભચાઉના ભવાનીપુર વિસ્તારમાંથી 200થી 300 લિટર શંકાસ્પદ કેમિકલનો જથ્થો
ઝડપી પાડયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અબલત્ત આ અંગે કેમિકલના પુથક્કરણ અહેવાલ
બાદ વધુ વિગતો સપાટી ઉપર આવી શકશે. જો કે, આ અંગે સત્તાવાર વિગતો ઉપર આવી ન હતી. આ શંકાસ્પદ કેમિકલના જથ્થાનો તાર ભાવનગર
સાથે જોડાયેલો હોવાનું પણ ચર્ચાએ જોર પકડયું છે. પૂર્વ કચ્છ પોલીસની કાર્યવાહી સંદર્ભે
પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારનો સંપર્ક કરતાં તેમણે ફોન ન ઉપાડતા વધુ વિગતો સાંપડી
ન હતી. નોંધપાત્ર છે કે, થોડા સમય અગાઉ પોલીસે અંજાર તાલુકાના
સતાપર પાસેથી બનાવટી દારૂની ફેક્ટરી ઝડપી પાડી હતી. જે તે સમયે આ પ્રકરણમાં બે આરોપીની
ધરપકડ પણ થઈ હતી. આ પ્રકરણમાં ઉંડાણપૂર્વક તપાસ કરાઈ હોત, તો
અનેક નવા ઘટસ્ફોટ થઈ શકયા હોત. અલબત્ત આ કાર્યવાહી બાદ ઉંડાણપૂર્વક થઈ હોવાની વિગતો
આજસુધી જાહેર થઈ નથી. આ ગુનામાં સામેલ આરોપી કોના સંપર્કમાં હતો તે સહિતની તલસ્પર્શી
તપાસ થઈ હોત, તો અનેક નવા ખુલાસા થયા હોવાનું પણ જાણકારોએ જણાવ્યું
હતું. ભુતકાળના સમયમાં ભચાઉમાં લઠ્ઠાકાંઠની સ્થિતિ સર્જાઈ હતી તેમજ સુરતમાં લઠ્ઠાકાંડમાં
પણ કંડલાથી કેમિકલ મોકલાયું હોવાનું જે તે સમયે ખુલ્યું હતું.