• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

નાની ખાખરમાં કંપની સામેની લડતમાં લોકોની જીત

મુંદરા, તા. 19 :  નાની ખાખર ગામમાં શરૂ થવા જઈ રહેલા ગ્રેવિટા ઇન્ડિયા લિ.ના કોપર રિસાયક્લિંગ પ્લાન્ટ સામેનો માત્ર વિરોધ માત્ર નાની ખાખર જ નહીં, આસપાસનાં મુંદરા - માંડવી તાલુકાને સાંકળતા 15 કિ.મી વિસ્તારનાં ગામોમાં પણ ઉગ્ર બની રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીના હુકમના આધારે વિગતો આપતાં લડત સમિતિના પ્રમુખ અરજદાર શ્રી મોથારિયાએ જણાવ્યું કે, પંચાયત અધિનિયમ તળે અધિકારીની રૂએ ડીડીઓ દ્વારા માંડવી તાલુકા વિકાસ અધિકારીનો તા. 6/7/26 હુકમ રદ કરાયો છે કે, જેના આધારે તા.  9/7ના ગ્રામ પંચાયત દ્વારા પણ ગ્રેવિટા કંપનીને બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી. હવે એ પણ રદ થાય છે. આમ ગ્રામજનોની લડતની જીત થઈ છે અને કંપનીનું કામ બંધ થયું છે. આ પહેલાંનાં હેવાલ મુજબ ગત અઠવાડિયે મળેલી ગ્રામ સભામાં અગાઉ અપાયેલી બાંધકામ મંજૂરીને રદ કરવા સહિતના ઠરાવ પસાર કરાયા બાદ બુધવારે પ્લાન્ટના પ્રવેશ દ્વાર પાસે ત્વરિત બાંધકામ રોકવા અને જો એમ નહીં કરવામાં આવે, તો આગામી સમયમાં કાનૂની પગલાં અને વધુ જલદ આંદોલન છેડાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જો કે, ડીડીઓના હુકમથી કામ બંધ થયાનું ગામલોકોએ કહ્યું હતું. નાની ખાખર ગ્રામ પંચાયત દ્વારા સર્વે નં. 402 ઉપર આવેલા પ્લાન્ટ પર સત્તાવાર નોટિસ ચીપકાવવામાં આવી હતી. સરપંચની સહી સાથેની આ નોટિસમાં જણાવ્યું હતું કે, એકમની બાંધકામ મંજૂરી તા. 11/8ના મળેલી ગ્રામસભાથી નામંજૂર કરવામાં આવે છે અને બાંધકામ નહીં રોકવામાં આવે, તો પંચાયત ધારાની કલમ મુજબ કાર્યવાહી થશે. આ અંગે પૂછતાં નાની ખાખર ગ્રામ રક્ષા અને વિકાસ સમિતિના પ્રમુખ મુકેશ કાનજીભાઈ મોથારિયાએ વધુમાં કહ્યું કે, સ્થપાઈ રહેલા આ પ્લાન્ટથી આ વિસ્તારનાં ગામોમાં ખેતી, ભૂગર્ભ જળ, હવા, પશુધન અને ગ્રામજનોના આરોગ્યને ગંભીર નુકસાન થાય એવી સંભાવના છે. પંચાયતની નોટિસ કંપનીને પાઠવવામાં આવી હતી અને આસપાસના તમામ ગામલોકો એકસાથે જ છે. આ પહેલાં દબાણથી મંજૂરી અપાઈ હતી. બાંધકામ મંજૂરી ફીના રૂ. પણ પાછા આપી દેવા ઠરાવાયું હતું તેમજ હવેથી ગ્રામસભાની મંજૂરી વિના ભવિષ્યમાં આવી કોઈ પણ કંપનીને મંજૂરી ન આપવાનો નિર્ણય પણ લેવાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ગ્રામસભા એ ગામની સર્વોચ્ચ સંસ્થા છે. બંધારણની કલમ 243-એ મુજબ, તા.11/8ના ઠરાવ કરાયો હતો અને તા. 9/7ની મંજૂરી ગેરકાયદે છે. જેની જિલ્લા કલેક્ટરને પણ પત્ર દ્વારા રજૂઆત કરાઈ હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ અપીલ અરજી કરાઈ હતી. કે, તા. 6/7 અને તા. 9/7નો હુકમ રદ કરવામાં આવે તથા ગ્રામ પંચાયતનો બીજી જુલાઈ અને 14મી જુલાઈનો ઠરાવ બહાલ કરાય. જેને ડીડીઓ દ્વારા તા. 16/8ના જ બહાલી કરી દેવાઇ છે, પણ અરજદારને આજે ગુરુવારે જાણ કરાઇ. દરમિયાન, ગ્રેવિટા ઇન્ડિયા લિ.ના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે સત્તાવાર પ્રતિભાવનો ઈન્કાર કરતાં કહ્યું કે, કંપનીમાં બધું  કાયદેસરની મંજૂરીઓ બાદ જ કાર્ય આગળ વધી રહ્યું છે અને અને ક્યાંય પણ ખૂટતી મંજૂરીઓ હશે, તો પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સાથે તેમણે ગેરકાયદે બાંધકામ, પ્રદુષણના દાવાઓ પણ નકારી કાઢયા હતા.

Panchang

dd