વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 19 : મૂળીનો રંગોત્સવ, ભુજનો અન્નકુટોત્સવ, ગઢડાનો
ફૂલ ડોલોત્સવ અને કેરા ગામના હીંડોળા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો વાહ વાહ
પોકારી રહ્યા છે. 128 પ્રકારની
કલાત્મક કૃતિઓ, નીલકંઠવર્ણીની તપસ્યાનાં
દૃશ્યો, હીર ગૂંથ્યા હરિચરણ નિરખી હરિભક્તોનું હૈયું બોલી ઊઠે
છે કે, હેમ કેરા હીંચકે ઝૂલણ ઝૂલે ઘનશ્યામ... ! નંદ પંક્તિનું
સંતોકૃત આ કીર્તન ચોવીસીના કેરા ગામે એવું તો તાદૃશ બન્યું કે ન માત્ર કચ્છ સત્સંગ,
પણ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અહીં ખેંચાઇ આવ્યો છે. બદ્રીકેશ્વર તપસ્યાના
કાળમીંઢ પથ્થરો ચીરતા ઝરણાં પાસે એક પગે તપસ્યા કરતા નીલકંઠવર્ણી, સરયુ નદી, લક્ષ્મણ ઝુલા, કેદાર,
બદ્રીનાથ, મુક્તિનાથ જતાં ઠંડું હેમ સરખું નીર ખરેખર મંદિરના સત્સંગી યુવક-યુવતીઓએ
બે માસની એકનિષ્ઠ મહેનતને આકાર આપ્યો છે. ભરતગૂંથણના તાંતણે મહારાજના ચારણાવિંદ ચિન્હિત
છે. સામે હરિ ફૂલના હીંચકે ઝૂલે છે. ચાંદલા, પીપળ પાનમાં આકૃતિઓ
ઉપસાવાઇ છે. વિવિધ મોતી, ચોકલેટ, ચણોઠી,
જવ, કાષ્ઠ સળીઓ, સીડી,
આરતી, દિવેટ, આભલા,
અનાજ, ચમચીઓ, સૌંદર્ય પ્રસાધન,
જરી, સાટા જેવી અનેકાનેક વસ્તુઓથી ભગવાનના હીંડોળા
દર્શનીય બન્યા છે. કેરા સ્વામિનરાયણ મંદિર, નરનારાયણદેવ યુવક-યુવતી
મંડળ, જડેશ્વર મહાદેવ મંડળ તેમજ ગામના હરિભક્ત ભાઇ-બહેનોના ટેરવે
જાણે સાક્ષાત વિશ્વકર્મા બિરાજિત થયા હોય તેવાં દૃશ્યો કેરામાં ખડાં થયાં છે. સાંખ્યયોગી
સામબાઇ ફઇ, દેવબાઇ ફઇ સહિતના ત્યાગી માતાઓએ કર્મયોગી બહેનેને
પ્રેરણા આપી હતી, તો ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી પુરાણી
ધર્મનંદનદાસજીની આજ્ઞાથી કોઠારી પાર્ષદ જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણ
સ્વામી, વિજ્ઞાનસ્વરૂપ સ્વામી, ધર્મચરણ
સ્વામી, અક્ષરપ્રકાશ સ્વામી, ખીમજી ભગત,
કૃષ્ણપ્રિય સ્વામી સહિતના સંતોએ પ્રદર્શન ઉદ્ઘાટિત કરી મંદિર પ્રમુખ
હરીશ ખેતાણી, મહેન્દ્રભાઇ ભુવા તથા સમગ્ર કમિટીને આયોજન બદલ બિરદાવ્યા
હતા. સમગ્ર ચોવીસી ઉપરાંત સૌરાષ્ટ્રથી પણ અહીં હરિભક્તો આવી રહ્યા છે અને પ્રદર્શનને
વધાવી રહ્યા છે. કેરાનો સત્સંગ સદાબા, નાનબાઇ ફઇનો રોપેલો છે
જેના મૂળિયાં વટવૃક્ષ બન્યા છે. યુવક-યુવતીઓએ એટલું સમર્પણ કર્યું છે કે આજે અહીંના
હીંડોળા સમગ્ર સંપ્રદાયમાં વખણાઇ રહ્યા છે જેનું શ્રેય ભુજના સંતો, ત્યાગી બહેનોને છે.