• ગુરુવાર, 02 જુલાઈ, 2026

દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવા આપવી એ સંસ્થાની પ્રાથમિક જવાબદારી

ગાંધીધામ, તા. 1 : દર્દીઓને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી એ દરેક આરોગ્ય સંસ્થાની પ્રાથમિક જવાબદારી છે અને હોસ્પિટલમાં નિયમિત સ્વચ્છતા જાળવવાથી ચેપજન્ય રોગનાં જોખમમાં ઘટાડો થાય છે અને દર્દીઓમાં વિશ્વાસ વધે છે તેમજ આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધારો થાય છે તેવી લાગણી ગાંધીનગરમાં આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા દ્વારા નમો સ્વચ્છતા અભિયાન તેમજ અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરતી વખતે વ્યક્ત કરવામાં આવી હતી. આદિપુરની રામબાગ હોસ્પિટલ સહિત રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં એક જુલાઈથી 7મી જુલાઈ દરમિયાન સ્વચ્છતા અભિયાન હેઠળ હોસ્પિટલ સંકુલોની સફાઈ તથા અલગ અલગ વિભાગોમાં બિનઉપયોગી સાધનો એક જગ્યાએ રાખવા તેમજ ખરાબ સાધનોને અલગ કરીને તેનો નિકાલ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. રામબાગ હોસ્પિટલમાં આ કાર્યક્રમમાં ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, માંડવી નગરપાલિકાના પ્રમુખ, ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, ગાંધીધામ મહાનગરપાલિકાની સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, એસ.ડી.એમ. સુરેશ ચૌધરી, મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજયભાઈ રામાનુજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી, ચીફ ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસર  ડો. કિશોર રોય, મામલતદાર  જાવેદ સિંધી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અમીન અરોરા, જિલ્લા ક્ષય અધિકારી ડો. મનોજ દવે, એમ.ઓ.એચ. ડો. દિનેશ સુતરિયા, ગાંધીધામ જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો. હરીશ માટાણી, કોર્પોરેટરો, રોગ કલ્યાણ સમિતિના સભ્યો સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા મોટી સંખ્યામા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ રામબાગ હોસ્પિટલના વિવિધ વિભાગો, વોર્ડ તેમજ અન્ય સુવિધાઓની મુલાકાત લઈને સ્વચ્છતા, ચેપ નિયંત્રણ દર્દીઓની સુવિધાઓ અને હોસ્પિટલમાં કાર્યરત આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી ત્યારબાદ હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કરાયું હતું. 

Panchang

dd