પાસપોર્ટ એ વ્યક્તિના નાગરિકતાનો પુરાવો નથી, એ તો માત્ર પ્રવાસનો દસ્તાવેજ છે, આ એક વાક્યએ ખળભળાટ મચાવી દીધો છે. પાસપોર્ટ સંબંધી નવી સેવાઓ અને ફેરફારો
અંગે માહિતી આપતાં વિદેશી બાબતોનાં ખાતાના એક અધિકારીએ કરેલાં આ નિવેદને ધરતીકંપ સર્જી
નાખ્યો છે. જો કે, આ નિવેદન કાયદાના ત્રાજવે તોલવામાં આવે,
તો એ રતીભાર ખોટું નથી. વ્યક્તિને પાસપોર્ટ જારી કરતી વખતે સંબંધિત ખાતું
તેના નાગરિકત્વની ચકાસણી કરે છે અને એ વ્યક્તિ પોતે ભારતનો નાગરિક છે એ પુરવાર કરવાનું
રહે છે. તે આવું પુરવાર કરી ન શકે, તો તેને પાસપોર્ટ મળતો નથી.
આમ છતાં, કોઈ વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય, તો એ તેના નાગરિકત્વનો પુરાવો નથી. ગૂંચવાઈ જવાય એવી લાગતી આ બાબત દીવા જેવી
સ્પષ્ટ છે. સ્પષ્ટ માત્ર એ નથી કે, નાગરિકત્વ પુરવાર કરવા માટે
સામાન્ય ભારતીય શું કરી શકે? જવાબ છે કશું જ નહીં. આજે સામાન્ય
ભારતીય નાગરિકને પોતાની ઓળખના પુરાવા તરીકે અનેક દસ્તાવેજો બનાવવા પડે છે અને આ દરેક
બનાવવાની પ્રક્રિયા અને તેના માટે આપવા પડતા પુરાવાનો ચક્રવ્યૂહ એવો છે કે,
ચકરાવે ચડી જવાય. આવકવેરો ભરવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાનકાર્ડ)
જોઈએ, સરકારી અનાજ જોઈએ, તો તમારી પાસે
રાશનકાર્ડ હોવું જોઈએ. આધાર તો અનેક સરકારી યોજનાઓ અને લગભગ બધી જ જગ્યાએ ઓળખ - સરનામાના
પુરાવા તરીકે ચાલે. વળી, આધાર અને પાનનું જોડાણ કરાવવું પણ ફરજિયાત
છે અને જેની પાસે આ બધા દસ્તાવેજી પુરાવા હોય એને પાસપોર્ટ મળે. આ સિવાય મતદાન કરવા
માટે વોટર આઇડી, વરિષ્ઠ નાગરિકો માટે આયુષમાન ભારત અને વિદ્યાર્થીઓ
માટે અપાર આઇડી તથા સરકારી કર્મચારી હોય કે સેવાનિવૃત્ત એનાં કાર્ડ વળી અલગ. ડ્રાઈવિંગ
લાઈસન્સ પણ ખરું. ટૂંકમાં, આઠથી દસ કાર્ડ કઢાવવાના કોઠા ભેદ્યા
પછી પણ આમાંથી કોઈ એક કાર્ડ નાગરિકત્વનો પુરાવો ગણાતો નથી. પાસપોર્ટ 1967ના કાયદા અનુસાર જારી કરાય
છે, તો વ્યક્તિનું નાગરિકત્વ કેવી રીતે નક્કી થાય
એ બાબતનો કાયદો 1955માં ઘડાયો
હતો. પાસપોર્ટ મેળવવા માટે નાગરિકત્વ પુરવાર કરવું પડે છતાં જો કોઈના નાગરિકત્વને પડકારવામાં
આવે, તો પાસપોર્ટ તેનો સત્તાવાર પુરાવો ન ગણાય. ભારતીય
પ્રજાસત્તાકે દેશના નાગરિકને આપેલું સૌથી સક્ષમ ઓળખપત્ર એટલે પાસપોર્ટ. પાસપોર્ટ વિશે
હાલનું નિવેદન સાવ નવી વાત નથી છતાં નાગરિકત્વના પુરાવા તરીકે અન્ય દેશોની જેમ ભારતમાં
કોઈ દસ્તાવેજ જ નથી. આધાર સર્વત્ર માન્ય દસ્તાવેજ છે છતાં આ કાર્ડ નાગરિકોના વ્યક્તિ
સ્વાતંત્ર્ય પર તરાપ છે, એ મુદ્દો હજી પણ અવારનવાર માથું ઊંચકે
છે. એક દેશ એક કાર્ડ સમયની માંગ છે, પણ વર્ષોથી સરકારો આ દિશામાં
કશું જ નક્કર કરી શકી નથી. મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા દેશ માટે નાગરિકત્વ માટે
કોઈ દસ્તાવેજ જ ન હોય એ વક્રતા જ ગણાય.