નવી દિલ્હી, તા. 1 : નવા મહિનાની
શરૂઆતે જ વ્યાવસાયિક વપરાશકારોને રાહત આપતો નિર્ણય સરકાર તરફથી આવ્યો છે. પેટ્રોલિયમ
મંત્રાલયના સહયોગથી તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183 રૂપિયાનો મોટો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જોકે ઘરેલુ એલપીજીની
કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતાં યથાવત કિંમતે ઘરેલુ સિલિન્ડર મળતાં રહેશે. વ્યાવસાયિક
એલપીજી પરનો ઘટાડો આજથી જ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. ઈરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં
જારી સંકટને કારણે વીતેલા મહિનાઓ દરમ્યાન ગેસની
કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો હતો તેના પર આ નિર્ણય સાથે વિરામ લાગી ગયો છે.
ભાવોમાં કરવામાં આવેલા આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલો વજનના કોમર્શિયલ એલપીજીનો ભાવ હવે 2,930 રૂા. થયો છે. આ પહેલાં જૂન
મહિનામાં દિલ્હીમાં તેની કિંમત 3,113 રૂપિયા હતી.
કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડાની સીધી અસર રેસ્ટોરેન્ટ, હોટેલ, ઢાબાઓ અને અન્ય
કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા નાના-મોટા ઉદ્યોગને થશે. પેટ્રોલિયમ મંત્રાલયના નિવેદન
અનુસાર ઘરેલુ સ્તરે એલપીજીના ઉત્પાદનમાં નોંધાયેલા સુધારા અને વિદેશથી આયાતિત ગેસના
કાર્ગોના ભારત પહોંચવાની આશાને કારણે આપૂર્તિ વ્યવસ્થા સંપૂર્ણ સામાન્ય થવાની દિશામાં
છે. મંત્રાલયે જણાવ્યું હતું કે એલપીજીની જથ્થાબંધ આપૂર્તિને યુદ્ધથી પહેલાંના ઉપભોગ
સ્તરની તુલનાએ 50 ટકા સુધી
બહાલ કરવામાં આવી છે.