ભુજ, તા. 1 : વર્ષ 2020, 2021 અને 2022માં કચ્છની જળસીમા વાટે કેફી
દ્રવ્ય ઘુસાડવાના પાકિસ્તાનના નાપાક કારસ્તાનનો પર્દાફાશ થયો હતો, જેમાં 175 કરોડ, 150 કરોડ અને
250 કરોડના હેરોઇન સાથે ઝડપાયેલા
કુલ 18 પાકિસ્તાની અને એક અફઘાની આરોપીને
20 વર્ષની સખત કેદ તથા દરેકને
બે લાખનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો અહીં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક
સબસ્ટેન્સીસ સ્પેશિયલ કોર્ટ (એન.ડી.પી.એસ.) કોર્ટ અને ત્રીજા અધિક સેશન્સ જજ વી.એ.
બુદ્ધે આપ્યો છે. બે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. કચ્છમાં ડ્રગ્સના કેસમાં એકસાથે
19 આરોપીને સજા ફટકારાઇ હોય એવો
તાજેતરના ઇતિહાસનો પ્રથમ બનાવ છે. આરોપીઓએ ભારતના યુવાનોને નિશાન બનાવવા અને ગંભીર
વ્યસનમાં ધકેલવાનું કાર્ય સામાન્ય કૃત્ય કહેવાય નહીં તેમજ મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો
ઘુસાડી રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું આયોજનબદ્ધ કાવતરું કર્યું હતું. નશાની સમસ્યા
રાષ્ટ્રીય સ્તરે સંકટ બની દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરે તેવા તારણો કાઢી આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કચ્છની જળસીમાએથી ડ્રગ્સ
ઘુસાડવાના આ બે કેસની દિલધડક વિગતો મુજબ ગુજરાતના આતંકવાદ વિરોધી દળ (એટીએસ)ને ખાનગી
બાતમી મળી હતી કે, પાકિસ્તાનના
કાપર ક્રીકના દરિયામાં બોટ દ્વારા પાકિસ્તાનથી ગેરકાયદે માદક પદાર્થ હેરોઇનનો જથ્થો
ભરી જખૌના દરિયામાં ડિલિવરી કરવાના છે. આથી એટીએસ અને કોસ્ટગાર્ડે દિલધડક સંયુક્ત ઓપરેશન
આદરી તા. 6/1/2020ના
પાંચ પાકિસ્તાની સાથેની પાકિસ્તાની બોટ ઝડપી તેની તલાશી લેતાં તેમાંથી 175 કરોડનો 35 કિલો હેરોઇનનો જથ્થો મળ્યો
હતો. જેમાં ઇસ્માઇલ મોહંમદ જામ (50), અનીશ ઇશા
ભટી (30), અબુબકર હાસમ કુંગરા (70), અશરફ ઉસ્માન ભટી (42) (રહે. તમામ પાકિસ્તાન) વિરુદ્ધ
તપાસના અંતે પુરાવાના આધારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તા. 15/4/21ના પણ જખૌમાં ડ્રગ્સની ડિલિવરી
આપવા આવતી પાકિસ્તાની બોટને બાતમીના આધારે ઝડપી લેવાઇ હતી, જેમાં માદક પદાર્થ હેરોઇનનો જથ્થો 30 કિલો કિં. રૂા. 150 કરોડ સાથે આરોપીઓ મુર્તઝા યામીન
સિંધી (35), યામીન ઉમર સિંધી (65), મુસ્તફા યામીન સિંધી (33), નસરુલા યામીન સિંધી (28), હુસૈન ઇબ્રાહીમ સિંધી (62), સાલેમામદ અબ્દુલ્લા સિંધી
(70), મહંમદ યાસીન મહંમદ ઉર્સ મલ્લા
(39) અને રફીક આમદ ઉસ્માનઅલી મુલ્લા
(62) (રહે. તમામ પાકિસ્તાન)ને ઝડપી
ગુનો દાખલ કરી તપાસના અંતે ચાર્જશીટ દાખલ કરાઇ હતી. આવી જ રીતે પાકિસ્તાનના હૈદરી પોર્ટ
ખાતેથી દરિયામાં બોટ દ્વારા પાકિસ્તાનની ગેરકાયદે હેરોઇનનો જથ્થો ભરી જખૌના દરિયામાં
ડિલિવરી આપવા નીકળેલી બોટને પણ તા. 8/10/2022ના સફળતાપૂર્વક ઝડપી લેવાઇ હતી, જેમાંથી 50 કિલો હેરોઇન કિં. રૂા. 250 કરોડના જથ્થા સાથે અલીમોહંમદ
બચ્ચલ મલ્લા (40), મમતાજ હારૂન મલ્લા (30), શેર મોહંમદ બશરિયા બડ (40), મોતિયા ઇદ્રીશ મલ્લા (50), ઇબ્રાહીમ યુસુફ સમેજા (68) અને જાહીદ અબ્દુલ્લા મલ્લા
(22) (રહે. તમામ પાકિસ્તાન)ને ઝડપી
લેવાયા હતા અને તપાસમાં હેકમતુલ્લા નુરુલ્લાહ (રહે. અફઘાનિસ્તાન)ની સંડોવણી ખૂલતાં
તેની પણ અટક કરી તપાસના અંતે ચાર્જશીટ દાખલ કરાઇ હતી. આ ત્રણે કેસમાં ઉપરોક્ત 19 આરોપીને એન.ડી.પી.એસ. એક્ટની
કલમ 8(સી) અને 23 (સી)માં તક્સીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા પ્રત્યેક
આરોપીને બે લાખનો દંડ ફટકારાયો હતો. બંને કલમની સજાઓ અલગ-અલગ ભોગવવાનો કોર્ટે હુકમ
કર્યો છે. ફરિયાદ તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી
અને દલીલો કરી હતી. - બે આરોપીનો નિર્દોષ છુટકારો : વર્ષ 2020માં પકડાયેલા 175 કરોડના હેરોઈનના કેસમાં આરોપી મુનાફ ઉર્ફે મોહમદ અનવર હાજી અબ્દુલ
મજીદ હાલારી (રહે. નૈરોબી-કેન્યા, મૂળ મુંબઈ)
અને વર્ષ 2021માં 150 કરોડના હેરોઈનના કેસમાંના આરોપી સાહિદ કાસમ સુમરા (રહે. માંડવી)નો નિર્દોષ
છુટકારો થયો છે. આરોપી મુનાફના તરફે ધારાશાત્રી આર. એસ. ગઢવી, વીનીત જી. ચૌધરી, વિશ્વા
એન. પરમાર, શિવમ બી. સોલંકી હાજર રહ્યા હતા, જ્યારે આરોપી સાહિદ તરફે વકીલ એમ. એ. ખોજા, એસ. જી. માંજોઠી,
કે. આઈ. સમા, વી. કે. સાંધ, ડી.સી. ઠક્કર, ગૌતમ મહેશ્વરી, અભિજિત
બુદ્ધભટ્ટી, પરવેઝ એ. સમા હાજર રહ્યા હતા.