માંડવી, તા. 1 : `આજે પણ બાળ સાહિત્ય પર જોઈએ
તેટલું ધ્યાન આપવામાં આવતું નથી, તેને
અવગણવામાં આવે છે, પણ આજે બાળકોનાં ઘડતર માટે બાળ સાહિત્ય અતિ
મહત્ત્વનું બન્યું છે, આજે જ્યારે બાળકો મોબાઈલ વગેરેના શિકાર
બની રહ્યા છે, ત્યારે કેવળ સાહિત્યનું વાંચન જ તેમને સંસ્કારિત
કરી શકે.' માંડવીમાં ભુજની સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ
અને માંડવીની રોટરી ક્લબના સંયુક્ત આયોજનથી યોજાયેલા કચ્છના ગુજરાતી બાળ સાહિત્ય પરના
સેમિનારમાં અધ્યક્ષીય પ્રવચન આપતાં ગુજરાતના જાણીતા બાળ સાહિત્યકાર કિરીટ ગોસ્વામીએ
આ ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે, બાળપણમાંથી જ જો
વાંચનની ટેવ પાડવામાં આવે, તો બાળકોને પ્રકૃતિ, સમાજ વગેરેનો પરિચય થશે અને તેમનામાં સંવેદનશીલતાનો વિકાસ થશે. તેમણે આજે બાળકોને
ઘર અને શિક્ષણમાં જે દબાણનો અનુભવ કરવો પડે છે, તેની વાત કરી
હતી અને તે સંદર્ભમાં સુંદર કાવ્યાત્મક રજૂઆત કરી હતી. આ સેમિનારમાં કચ્છના જે સર્જકોએ
બાળસાહિત્યનું સર્જન કર્યું છે, તેમના પર વિવેચનાત્મક મૂલ્યાંકન
કરતા પાંચ પ્રવચન થયા હતા. ઈશ્વર પરમારના બાળ સાહિત્ય પર પૂજા કશ્યપે, પુષ્પા અંતાણીના બાળ સાહિત્ય પર ડો. મિત્તલ ચૌહાણે, ધ્રુવી
અમૃતિયાના બાળ સાહિત્ય પર રામ કાગે, દીપમાળા અગ્રવાલ,
રતિલાલ પટેલ અને ભગવાનજી પીઠડના બાળ સાહિત્ય પર સંજય ઠાકરે અને ધીરેન્દ્ર
મહેતા, ભારતી ગોર અને આરતી ભાનુશાલીના બાળ સાહિત્ય પર ડો. પલ્લવી
શાહે પ્રવચન કર્યું હતું. સમગ્ર બાળ સાહિત્યનું મૂલ્યાંકન ડો. દર્શના ધોળકિયાએ કર્યું
હતું. આ બધા પ્રવચનોનું સંકલન કરી હરેશ ધોળકિયાએ પ્રકાશિત કરેલાં પુસ્તક `કચ્છનું ગુજરાતી બાળ સાહિત્ય'નું વિમોચન કિરીટ ગોસ્વામી અને મંચસ્થ મહેમાનોએ
કર્યું હતું. કાર્યક્રમના પ્રતિભાવ ડો. હર્ષદ
ઉદેશી અને ભારતી ગોરે આપ્યા હતા. અધ્યક્ષનો પરિચય ડો. મેહુલ પટેલે આપ્યો હતો. સ્વાગત
અને આભારવિધિ સંસ્થાના પ્રમુખ રસનિધિ અંતાણીએ કરી હતી. રોટરી વતી સ્વાગત પ્રમુખ મૌલિક
ચંદારાણાએ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થા વતી રસનિધિ અંતાણી, જાહ્નવી છાયા અને નીલેશ મહેતાએ માંડવીના સાહિત્યકારો હસમુખ અબોટી, કવિભાઈ, નિરંજન વ્યાસ, ભારતી ગોર,
નિષ્ઠા કેશવાણી, વિષ્ણુ ગોર, મંજુલાબેન વગેરેનું અભિવાદન કરાયું હતું. કાર્યક્રમમાં ડો. હર્ષદ ઉદેશી,
અક્ષય મહેતા, દર્શના શાહ, રોટેરિયન અને જાયન્ટ્સના મિત્રો તથા માંડવીના સાહિત્યપ્રેમીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમની વ્યવસ્થા દિનેશ ઠક્કર, વિશાલ દરજી અને કપિલ ગોરે
સંભાળી હતી. સંયોજક તરીકે વિનય ટોપરાણી અને ડો. મેહુલ પટેલે સેવા આપી હતી.