• ગુરુવાર, 02 જુલાઈ, 2026

દ. ગુજરાત માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર

અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના વિવિધ શહેરોમાં હાલમાં ઉકળાટ અને બફારો અનુભવાય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બાટિંગ કરવા માટે તૈયાર છે. આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.  રાજ્યમાં હાલમાં એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ (ટ્રફ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાને કારણે આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે હોવાથી ત્યાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં અત્યંત ભારેથી આભ ફાટે તેવો વરસાદ પડવાની સંભાવના છે. નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેવી આશંકાને પગલે સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે, અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘતાંડવ જોવા મળી શકે છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં 5.31 ઇંચ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર પડેલા વરસાદની વિગત જોઇએ તો જૂનાગઢના ભેસાણમાં 4.21 ઇંચ, વલસાડના ઉંમરગામાં 3.94 ઇંચ, જૂનાગઢના માળીયા હટીનામાં 3.58 ઇંચ, રાજકોટના લોધિકામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ છોટાઉદેપુરના કવંતમં 2.2, નવસારીના વાંસદામાં 2.05 ઇંચ, અમરેલીના બગસરામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. 

Panchang

dd