શાળા
પ્રવેશોત્સવ પૂરો થયો. ગુજરાતના મુખ્યમંત્રી, મંત્રીઓ,
સચિવો, અધિકારીઓએ ત્રણ દિવસ સુધી જુદાં -
જુદાં ગામની શાળાઓમાં જઇને બાળકોને પ્રોત્સાહિત કર્યા. દફતર, નોટબૂક, ગણવેશનું વિતરણ થયું... નવાં સત્રની
શરૂઆતમાં આવા કાર્યક્રમથી બાળકોમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ જન્મે એ સ્વાભાવિક છે.
કચ્છ હોય કે રાજ્યના અન્ય જિલ્લા, પ્રવેશ મેળવ્યા પછી ભણતણ
પૂરું ન કરવું એ ગંભીર સમસ્યા છે. દાખલો મળી જાય, પણ સંતાનને
નિયમિત શાળામાં પહોંચાડવું એ પણ મોટું કામ છે. એથીયે મહત્ત્વનું છે શાળાએ આવતાં
બાળકોને યોગ્ય શિક્ષણ મળે. નેતાઓએ ડ્રોપઆઉટ રેશિયો ઘટી ગયો હોવાના ભાષણે કર્યા.
શાળા પ્રવેશોત્સવની પરંપરા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ ગાળામાં શરૂ
થઇ અને હજુ નિરંતર છે. વિરોધ પક્ષો ભલે તેને નિરર્થક તૂત લેખાવતા હોય, પરંતુ કોઇ એક નાનકડાં ગામ કે શહેરના અંતરિયાળ વિસ્તારની નિશાળમાં મંત્રી
કે મોટા બાબુ જાય એનો ફાયદો તો થવાનો જ. મૂળભૂત પ્રશ્નો, અસુવિધા
ઉચ્ચ સ્તરે ધ્યાને આવે તો એના ઉકેલનો રસ્તો નીકળે. શાળામાં છાત્રોને નિયમિત અને
પદ્ધતિસરનું શિક્ષણ મળે એ શિક્ષકોની મૂળભૂત ફરજ છે, પણ
વક્રતા એ છે કે, ખુદ સરકાર શિક્ષકોને ઇત્તર કામમાં જોતરી દે
છે અને ભણાવવાનું કામ રઝળી પડે છે. કચ્છની વાત કરીએ તો શિક્ષકોને વસ્તીગણતરીનાં
કામમાં જોતરી દેવાતાં અનેક શાળાઓમાં વર્ગખંડ ખાલી છે. ભણાવવાનું તો દૂર, છાત્રોને સાચવવાવાળુંએ કોઇ નથી. વસ્તીગણતરી નિ:સંદેહ રાષ્ટ્રીય મહત્ત્વની
કામગીરી છે, પણ એની બજવણી માટે માત્ર શિક્ષકો શા માટે. રાજ્ય
કે કેન્દ્ર સરકારના અનેક વિભાગો છે, લાખો કર્મચારીઓ છે...
બાકી આભાકાર્ડની કામગીરી હોય, શેરીઓમાં શ્વાનની ગણતરી કરવાની
હોય, આવાં અનેક કામો શિક્ષકો પર થોપી બેસાડવામાં આવે છે.
ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ગયા ફેબ્રુઆરીમાં બાળકોનાં નીચે ઊતરતાં
જતાં શિક્ષણનાં સ્તરને ધ્યાનમાં લઇને એવો આદેશ જારી કરવામાં આવ્યો હતો કે, વસ્તીગણતરી કે ચૂંટણી સિવાયની અન્ય કોઇ ઇત્તર કામગીરી શિક્ષકોને સોંપવામાં
નહીં આવે. શિક્ષકઘટનો પ્રશ્ન એ કચ્છમાં હંમેશાં રહ્યો છે. 9400નું
મહેકમ છે અને 1600 જેટલી
જગ્યા ખાલી છે. તાજેતરમાં 400 વિદ્યાસહાયકની ભરતી થઇ છે. તેમાંના કેટલા હાજર
થશે એ જોવાનું છે. પ્રાથમિક શાળા અને શિક્ષણ બાળકોનો પાયો છે. અહીં કચાશ કે અધૂરાશ
રહેવી જોઇએ નહીં. સમયાંતરે શિક્ષકોને અલગ-અલગ તાલીમમાં મોકલી દેવાય છે... ઓનલાઇન
એન્ટ્રી અને વારંવાર મગાતી જુદી-જુદી માહિતીઓને લીધે પણ શિક્ષકોનો સમય બગડે છે.
શિક્ષક આલમમાં ટેટ અને ટાટ પરીક્ષાનો મુદ્દોએ નારાજગીનું કારણ છે. વળી હજારોની
સંખ્યા હોવા છતાં કચ્છને ટેટ-ટાટ પરીક્ષા કેન્દ્ર ન અપાતાં 400 કિલોમીટર
જવું પડે છે. આ જમાનામાં પરીક્ષા કેન્દ્રની સગવડ ન થઇ શકે એ ટીકાજનક કહેવાય.
ટૂંકમાં બાળકોના કુમળા માનસમાં જ્ઞાન, સંસ્કારનું
સિંચન કરવાની જેમની જવાબદારી છે એ શિક્ષક સ્વસ્થ, તંદુરસ્ત,
આનંદિત હોવો જોઇએ. સાચું ભણાવી શકશે તો જ છાત્રોનું ઘડતર થશે.