ગાંધીધામ, તા. 1 : પૂર્વ કચ્છમાં માદક અને નશીલા
પદાર્થોની હેરાફેરી વેચાણ તેમજ સેવન કરનારા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા
પોલીસવડાની સૂચનાથી આ વર્ષે સે નો ટુ ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ મિશન અંતર્ગત કડક કાર્યવાહી
હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. પોલીસ દ્વારા
જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ વર્ષ-2025માં વર્ષ દરમ્યાન પોલીસ મથકો તથા શાખાઓ દ્વારા માદક પદાર્થોના
કુલ 36 ગુના નોંધી 73 શખ્સની અટકાયત કરવામાં આવી
હતી, તેની સરખામણીએ આ વર્ષે પોલીસે નશાના કારોબારીઓ
પર ધોંસ બોલાવી છે અને માત્ર છ મહિનામાં એટલે તા. 1/1/2026થી 30/6/2026 દરમ્યાન માદક પદાર્થોના 43 કેસ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 72 આરોપીને જેલ ભેગા કરી દેવામાં
આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે, ગત આખાં
વર્ષ કરતાં ચાલુ વર્ષના માત્ર છ મહિનામાં જ વધુ કેસો પકડી પાડીને નશાના નેટવર્ક પર
મોટો પ્રહાર કરાયો છે. પૂર્વ કચ્છ પોલીસ પ્રશાસન દ્વારા જિલ્લાને સંપૂર્ણપણે ડ્રગ્સ
મુક્ત બનાવવા માટે લોકોનો સહયોગ માગવામાં આવ્યો છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે,
જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં નશીલા કે માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી,
વેચાણ અથવા તેના સેવનની પ્રવૃત્તિ ધ્યાને આવે તો તુરંત જ પોલીસવડા મો.
નં. 99784 05690, અંજાર ડીવાય.એસ.પી. મો. નં.
99784 08245, ભચાઉ ડીવાય.એસ.પી. મો. નં.
99784 02026 તથા કંટ્રોલ રૂમ નં. 63596 26845 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.