• ગુરુવાર, 02 જુલાઈ, 2026

બાંભડાઇ તળાવમાંથી બહાર આવતા મગરનો બચાવ કરાયો

માંડવી, તા. 1 : અબડાસા તાલુકાના સીમાડાની લગોલગ, દરિયાઈ કિનારા પાસેના  બાંભડાઈ ગામનાં તળાવમાંથી પાંચેક ફૂટના મગરનું રેસ્ક્યૂ કરી અંતે વિજયસાગર ડેમમાં સુરક્ષિત છોડવામાં આવતાં હાશકારો અનુભવાયો હતો.   પશુપાલકોનાં ઝીણાં પાલતુ પશુઓ શિકાર બનવાનાં બનાવોથી ભયનું વાતાવરણ ફેલાયું હતું.  વરસાદ ખેંચાતાં અને અસહ્ય બફારાથી ત્રસ્ત માનવી અને જીવ -જાનવરો જળાશયો તરફ વધુને વધુ લાચાર હોય ત્યારે આવાં જીવભક્ષીઓ ઊંઘ હરામ કરી દે તે સ્વાભાવિક છે. ગામનાં તળાવમાં આવેલા આશરે પાંચ ફૂટ લાંબા મગરે એક પશુપાલકનાં બકરાંને પકડી લેતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સરપંચ  લધુભા રાઠોડે તાત્કાલિક જંગલખાતાને જાણ કરી હતી. જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ ડાંગરભાઈ અને ઇબ્રાહીમભાઈ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહાકાય મગરને પકડવા માટે અધિકારીઓએ મહેનત કરી હતી. આ દરમિયાન આગેવાનો જાડેજા જીવુભા ગોપાલજી, રાઠોડ તખુભા બાલુભા સહિત ગ્રામજનોએ પણ રેસ્ક્યૂ કામગીરીમાં  સહયોગ આપ્યો હતો. સંયુક્ત પ્રયાસોના પરિણામે મગરને સુરક્ષિત રીતે પકડી  રેસ્ક્યૂ  બાદ તેને વિજયસાગર ડેમ ખાતે સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો.  

Panchang

dd