• ગુરુવાર, 02 જુલાઈ, 2026

આડેસરના યુવાનને ધંધાર્થે રાજસ્થાન બોલાવી ક્રૂરતાપૂર્વક હત્યા

ગાંધીધામ, તા. 1 : આડેસરના યુવાન વિજય કાપડી (બાવાજી)ને રાજસ્થાન ખાતે બોલાવી ધંધાના હિસાબનું મનદુ:ખ રાખી પાલી ટોલ ગેટ નજીક અવાવરુ જગ્યાએ લઇ જઇ લોખંડના પાઇપ, ધોકા વડે અડધા કલાક સુધી જીવલેણ હુમલો કરાતાં આ યુવાને સારવાર દરમ્યસાન દમ તોડી દીધો હતો. સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવનાર આ પ્રકરણમાં બુટલેગર સહિત અન્ય શખ્સો સામે ગુનો નોંધાયો હતો. માધાપર ખાતે રહેતા મૂળ આડેસરના એવા ફરિયાદી અજય ઉર્ફે લાલા શિવમરા કાપડી (બાવાજી)ના પિતાનું અવસાન થતાં તે તથા તેનો ભાઇ વિજય ત્યાં હતા. તા. 13/6ના ટપ્પર નજીકથી પુના ભાણા ભરવાડનો દારૂ ઝડપાયા બાદ તા. 14/6ના વિજયે પોતાના ભાઇ એવા ફરિયાદીને વાત કરી હતી કે પુના ભરવાડ ફોન કરીને ધંધાના હિસાબ માટે રાજસ્થાન આવવા દબાણ કરે છે. મારે ત્યાં જવું પડે તેમ છે, જેથી ફરિયાદીએ ગામના મહાવીરસિંહ ચનુભા સોઢાને સાથે લઇ જવા કહ્યું હતું. બાદમાં વિજય, મહાવીરસિંહ, હરેશ સુસરા (ભરવાડ), કાના ભરવાડ, રમેશ ભરવાડા બાબુ ભરવાડ કાર નંબર જી.જે. 39 સી.બી. 5430માં સવાર થઇને ત્યાંથી નીકળ્યા હતા. દરમ્યાન ફરિયાદી પોતાના ભાઇને વારંવાર ફોન કરી તેના ખબર અંતર પૂછતો હતો. તેવામાં તા. 20/6ના મહાવીરસિંહે ફોન કરી પાલી ટોલનાકા નજીક વિજયનો અકસ્માત થયો હોવાથી હોસ્પિટલ લઇ જાય છે તેવું કહ્યું હતું. ત્યાંથી વધુ સારવારનું જણાતાં વિજયને અમદાવાદ સારવાર અર્થે લઇ અવાતો હતો ત્યારે ફરિયાદી પાલનપુર પહોંચી જતાં એમ્બ્યુલન્સમાં સાથે ગયો હતો જ્યાં રસ્તામાં મહાવીરસિંહે આડેસરથી નીકળી અને માઉન્ટ આબુ, સાવરિયા રોડ, વૃંદાવન, મથુરા, વાઘા બોર્ડર, ગોલ્ડન ટેમ્પલ ગયા હતા અને ત્યાંથી ઓમ બન્ના આવવા નીકળ્યા હતા. દરમ્યાન તા. 20/6ના સવારે પાલી ટોલનાકા પહેલાં સફેદ રંગની ફોરચ્યુન અને સફેદ કેટા ગાડી આવી અમારી ગાડી રોકાવી હતી, જેમાંથી પુના ભાણા ભરવાડ ઉતરી વિજયને પોતાની સાથે બેસાડયો હતો અને મારી પાસેથી મોબાઇલ લઇ લીધા બાદ અમારી સાથેના લોકોને તમે ઓમ બન્ના જઇ આવો ત્યાં સુધી અમે અમારું કામ પૂરું કરીએ છીએ તેમ કહી વિજયને ફોરચ્યુનર તથા પોતાને સફેદ કેટામાં બેસાડી દીધા હતા. આ કેટામાં ચાર બુકાનીધારી શખ્સો હતા જે ગુજરાતીમાં વાત કરતા હતા તેવું તેણે ફરિયાદમાં જણાવ્યું હતું. બંને વાહનો યુટર્ન લઇ રોડની બાજુમાં રાખી વિજયને અવાવરુ ઝાડીમાં લઇ ગયા હતા અને અડધા કલાક બાદ પુનો ભરવાડ મહાવીરસિંહ પાસે આવી તેને પાંચ હજજાર આપી વિજયને હોસ્પિટલ લઇ જજે અને અમે માર માર્યો છે તેવું કહેતો નહીં, તેનું અકસ્માત થયું છે તેવું કહેજે નહિતર તારા પણ વિજય જેવા હાલ થશે તેવી ધમકી આપી ઇજાગ્રસ્તને ત્યાં જ મૂકીને બંને વાહનોમાં આરોપીઓ નાસી ગયા હતા. સાથે આવેલા શખ્સો પૈકી હરેશને મહાવીરસિંહે ફોન કરતાં તે હોસ્પિટલ આવ્યા નહોતા. વિજયે રસ્તામાં પોતાના ભાઇ એવા ફરિયાદીને પોતાને પુના ભરવાડ, તેના સાથીદારોએ લાહેખંડના પાઇપ, ધોકાઓ વડે માર માર્યો હોવાનું જણાવ્યું હતું અને આપણે ફરિયાદ કરશું તો આ માથાભારે આપણા પરિવારને જીવવા દેશે નહીં. ઘવાયેલા યુવાનને અમદાવાદ સિવિલ અને સિમ્સ હોસ્પિટલ લઇ જવાયો હતો. સારવાર દરમ્યાન વિજયે મારો કોઇ વાંક નથી છતાં મને ખોટો માર્યો હોવાનું જણાવ્યું હતું. તેણે સારવાર દરમ્યાન તા. 29/6ના દમ તોડી દીધો હતો અને બનાવ હત્યામાં પલટાયો હતો. આડેસર પોલીસે પુના ભરવાડ તથા બે વહાનોમાં આવેલા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. આ પ્રરણમાં એક ટીમ રાજસ્થાન ગઇ છે તથા લાગતાવળગતાઓના નિવેદન લેવાતા હોવાનું પી.આઇ. જે. બી. આચાર્યએ જણાવ્યું હતું. યુવાનની હત્યાને પગલે ભારા ચકચાર પ્રસરી છે. 

Panchang

dd