• ગુરુવાર, 02 જુલાઈ, 2026

ભુવડમાં વીજથાંભલામાં કરંટ લાગતાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

અંજાર , તા. 1 : તાલુકાના ભુવડ  ગામમાં  વિજશોકથી  રાષ્ટ્રીય પક્ષીનાં મોતનો બનાવ બનતા અરેરાટી સાથે આક્રોશ ભભૂકી ઊઠયો છે. આ અંગે મળતી વિગતો મુજબ મચ્છુ માતાજીનાં મંદિર નજીક આવેલા વીજપોલમાં કરંટ ઉતરતાં એક મોર તેનો ભોગ બન્યો હતો. સ્થાનિકોએ મૃત મોરને જોતાં જ સંબંધિત તંત્રને જાણ કરી હતી. વીજપોલ તથા આસપાસના વીજ માળખાંની યોગ્ય જાળવણીના અભાવે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું  અનુમાન લગાવાઈ રહ્યું છે. ગ્રામજનોએ આક્ષેપ કરતાં  જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કાર્યરત રિન્યૂ પાવર લિ. કંપનીની પવનચક્કીઓ તથા વીજપોલોમાં વારંવાર યાંત્રિક ક્ષતિઓ સર્જાય છે, પરંતુ  સમયસર સમારકામ અને જાળવણી  ન કરાતી હોવાથી   રાષ્ટ્રીય પક્ષી મોર સહિત અન્ય પક્ષીઓના અપમૃત્યુના બનાવો બનતા રહે છે.  અગાઉ પણ આ જ પ્રકારની ઘટનામાં ત્રણ જેટલા મોરનાં મોત થયાં હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો ન  હોવાનું લોકોએ રોષ સાથે જણાવ્યું હતું.  ઘટનાને પગલે ગામના માદેવાભાઈ મ્યાત્રા, રામજીભાઈ, દેવાયતભાઈ, સરપંચ પ્રતિનિધિ રાજેશભાઈ જરૂ તથા નાગદાનભાઈ સહિતના આગેવાનોએ સંબંધિત વિભાગનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવા, વીજપોલોની તાત્કાલિક તપાસ કરીને જોખમી ખામીઓ દૂર કરવા તથા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

Panchang

dd