• ગુરુવાર, 02 જુલાઈ, 2026

18 વર્ષ સુધીના સૌને હેલ્થ પાસપોર્ટ

અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્ય સરકારે બાળકો, કિશોર-કિશોરીઓ માટેની હેલ્થકેર સુવિધાઓને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફેમિલી તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવવા માટે હેલ્થ પાસપોર્ટની પહેલ હાથ ધરી છે. સ્કૂલ હેલ્થ - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ  હેઠળ હવે ગુજરાતમાં જન્મથી 18 વર્ષ સુધીના દરેક બાળકનો પોતાનો એક હેલ્થ પાસપોર્ટ હશે. આ કોઈ સામાન્ય હેલ્થ કાર્ડ નહીં હોય પરંતુ બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી દર્શાવતો એક પ્રમાણભૂત દસ્તાવેજ હશે. આ રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત 27મી, જૂનના, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરાઇ હતી.  ગુજરાતમાં દર વર્ષે લગભગ 1.89 કરોડ બાળકોનું હેલ્થ ચેકઅપ 992 મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા કરાય છે. હાલમાં આ ચેકઅપ્સનો રેકોર્ડ ડિજિટલ પોર્ટલ પર તો ઉપલબ્ધ છે પરંતુ માતા- પિતા અથવા બાળકો પાસે એવું કોઈ સુવિધાજનક ડોક્યુમેન્ટ ઉપલબ્ધ નથી. જેનો ઉપયોગ તેઓ નિયમિત રૂટિન ચેકઅપ, સારવાર અથવા ફોલો-અપ માટે સરળતાથી કરી શકે. પ્રસ્તાવિત હેલ્થ પાસપોર્ટ બાળકોના મેડિકલ રેકોર્ડ્સને એક સિસ્ટમેટિક અને સરળ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે. બાળકોનો હેલ્થ પાસપોર્ટ બનાવવા માટે માતા-પિતાએ કોઈ વધારાના દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં.  મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા આંગણવાડી, શાળા, મદરેસા, ગુરુકુલ અને સ્પેશિયલ સ્કૂલોમાં બાળકોનું હેલ્થ ક્રીનિંગ કરાશે. ક્રીનિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ડેટા એન્ટ્રી બાદ બાળકોને આ હેલ્થ પાસપોર્ટ સ્થળ પર જ અપાશે. તે સરળતાથી રિન્યૂ પણ થઈ જશે. 5 વર્ષ સુધીના બાળકો અથવા શાળાએ ન જતા બાળકોના હેલ્થ પાસપોર્ટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા દર વર્ષે રિન્યૂ કરાશે. જ્યારે, વિદ્યાર્થીઓના કાર્ડ શાળાના પ્રિન્સિપાલ દ્વારા રિન્યૂ કરાશે.  

Panchang

dd