ગાંધીધામ, તા. 1 : માર્ગો ઉપર ખાડા છે,તેને પૂરવામાં આવે તેવી ફરિયાદ લોકો ઓનલાઈન કરે
છે, ત્યારે કોર્પોરેશનના એન્જિનીયારિંગ વિભાગ દ્વારા બજેટ નથી,
બજેટ આવશે, ત્યારે ખાડા પૂરાશે, તેવા જવાબ આપે છે, તે વચ્ચે રૂપિયા નથી, છતાં નાગરિકોનાં નાણાંના દુરુપયોગનો મામલો સપાટી ઉપર આવ્યો છે. સારા આરસીસી
રોડને તોડીને તેની જગ્યાએ પેવરબ્લોકનો રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેનાં પગલે અહીં જનઆક્રોશ ફેલાયો છે. શહેરમાં ખરેખર જ્યાં જરૂરિયાત છે ત્યાં
માર્ગો બનતા નથી અને ખાડાઓ પૂરવામાં આવતા નથી. મહાનગરપાલિકાના એન્જિનીયારિંગ વિભાગની
નિષ્ફળતાનો આ સૌથી મોટો પુરાવો છે. ઠેરઠેર માર્ગોમાં ખાડાથી લોકો ત્રસ્ત બન્યા છે,
જે કામો થઈ રહ્યાં છે તેમાં ઠેકેદારો મનસ્વી રીતે કામ કરી રહ્યા છે.
છતાં એન્જિનીયરો તેમની સામે પગલાં ભરવાના બદલે ઠેકેદારોને પૂછીને કામ કરી રહ્યા છે. તત્કાલીન સમયની નગરપાલિકા વખતે પણ આવી સ્થિતિ નથી
આવી, જેવી અત્યારે મહાનગરપાલિકાના સમયે છે. બિનજરૂરી નાગરિકોનાં નાણાનો વ્યય કરીને સારામાં
સારો આરસીસી માર્ગ તોડીને તેની જગ્યાએ પેવરબ્લોકનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. ખરેખર
મ્યુનિસિપલ કમિશનરે એન્જિનીયરોનું પૂછાણું લેવું જોઈએ અને જે જવાબદાર એન્જિનીયરો છે
તેમની સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે. શહેરના જાગૃત નાગરિક રાજેન્દ્ર
ઠક્કરે કમિશનરને પત્ર લખીને ભાઈપ્રતાપ સોસાયટી અને વાલ્મીકિ સોસાયટી વચ્ચેનો સારામાં
સારો આરસીસી રોડ બિનજરૂરી તોડવામાં આવી રહ્યો છે અને તેની જગ્યાએ પેવરબ્લોકનો માર્ગ
બનાવાઈ રહ્યો છે. રોડની સ્થિતિ સારી છે છતાં તોડવામાં આવી રહ્યો છે. આ કામગીરીમાં વ્યાપક
ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની શંકા છે, જેના પગલે તપાસ કરીને જવાબદાર
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.