કોઠારા (તા. અબડાસા), (પ્રતિનિધિ દ્વારા), તા.
30 : અહીંના ત્રણ યુવકે મોટરસાઇકલથી
કોઠારાના ત્રણ યુવકે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ પાસ ઉમાલિંગ લા સર કરી ઇતિહાસ રચ્યો
છે. આમ તો લોકોને અલગ અલગ શોખ હોય છે એવી જ રીતે કોઠારાના ત્રણ યુવકને પણ મોટરસાઇકલથી
સવારી કરી દૂર સુધી જવાનો શોખ છે, જેવો
સમય મળે આ યુવાનો નીકળી પડે છે. હાલમાં આ યુવાનો ભુજથી મોટરસાઇકલ મારફતે 5100 કિલોમીટરનો પ્રવાસ કરીને વિશ્વનો
સૌથી ઊંચો મોટરેબલ પાસ ઉમાલિંગ લા સર કરીને ઇતિહાસ રચ્યો છે. ગત 13/6ના ભુજથી નિકુંજ અબોટી, જયદીપ ઠક્કર અને મયૂર ઝોલા પોતાની સફરની શરૂઆત
કરી હતી અને ડીસા, શિરોહી, જોધપુર,
હિસ્સાર, પટિયાલા, મનાલી
થઈને કેન્દ્રશાસિત રાજ્ય લદ્દાખ પહોંચ્યા હતા, જ્યાંથી ચીન સરહદ
નજીક આવેલ દેમચોક પાસેના ઉમાલિંગ લા પાસ કે જે 19,024 ફૂટની ઊંચાઈએ આવેલો દુનિયાનો
સૌથી ઊંચો મોટરેબલ માર્ગ સર કર્યો હતો તેમજ શિંકુલા 16,400 અને ફોટીલા 18,100 ફૂટ જેવા મહત્ત્વના અન્ય પાસ
પણ પસાર કર્યા હતા, તેમણે વળતો
પ્રવાસ પણ મોટરસાઇકલ દ્વારા કરીને તા. 26-6ના ભુજ પરત ફરી 14 દિવસમાં 5100 કિલોમીટરનો
પ્રવાસ પૂર્ણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,
આ અગાઉ પણ નિકુંજ અને જયદીપ દ્વારા આ જ રીતે 2018માં અન્ય ત્રણ યુવાન સાથે મળીને
5300 કિલોમીટરની સફર કરી ખારડુંગ
લા, ચાંગ લા, તાંગલાંગ લા
અને બારાલચ લા જેવા પાસ સર કર્યા હતા.