• મંગળવાર, 30 જૂન, 2026

ભારત-અમેરિકા વ્યાપાર કરાર : ઉતાવળે આંબા નહીં પકવવાની નીતિ જ શાણી

ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર કરાર છેક ઉંબરે આવીને અટકી ગયો છે. બંને પક્ષ વારંવાર કહે છે કે, ડીલ બહુ નજીક છે, પણ હજુ સુધી સહી થઈ નથી. વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર વચ્ચેની તાજેતરની બેઠકો પછી પણ કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી. વૈશ્વિક આર્થિક સમીકરણો અને જીઓપોલિટિક્સના આ દોરમાં ભારત કોઈ ઉતાવળ કરવાના મૂડમાં નથી. કારણ કે, આ કરારની સીધી અસર દેશના કરોડો ખેડૂતો, ઉદ્યોગો અને ગ્રાહકો પર પડવાની છે. ભારતની વાટાઘાટોનો મુખ્ય પાયો એ છે કે, અમેરિકી બજારમાં ભારતીય નિકાસકારોને વિયેતનામ, બાંગલાદેશ કે થાઈલેન્ડ જેવા હરીફ દેશો કરતાં વધુ ફાયદો મળવો જોઈએ. વાણિજ્ય પ્રધાનનું વલણ સ્પષ્ટ છે : જ્યાં સુધી ભારતને તેના હરીફો કરતાં ટેરિફમાં સ્પષ્ટ ફાયદો નહીં મળે, ત્યાં સુધી ભારત આ વ્યાપાર કરારનો અમલ નહીં કરે. આ કરારમાં સૌથી સંવેદનશીલ પાસું ભારતનું કૃષિ ક્ષેત્ર છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા જેવાં સંગઠનો દેશભરમાં આ કરાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હિમાચલ અને કાશ્મીરના સફરજન ઉત્પાદકોથી માંડીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સોયાબીન અને કપાસ પકવતા ખેડૂતો ચિંતામાં છે. અમેરિકા પોતાના ખેડૂતોને અબજો ડોલરની સબસિડી આપે છે. જો અમેરિકાના સસ્તાં અને સબસિડીવાળા કૃષિ ઉત્પાદનો (જેમ કે, સોયાબીન તેલ, કપાસ, સફરજન કે ડેરી પ્રોડક્ટ્સ) પર ઈમ્પોર્ટ ડયૂટી ઘટાડવામાં આવે, તો ભારતના નાના અને સીમાંત ખેડૂતો બજારમાં ટકી જ ન શકે. એક તરફ સસ્તી આયાતથી ખાદ્યતેલો, કઠોળ અને ડેરી ઉત્પાદનોના ભાવ ઘટી શકે છે, જે ગ્રાહકોને મોંઘવારીમાંથી રાહત આપશે, પરંતુ બીજી તરફ, જો સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થાય તો ગ્રામીણ આવક ઘટશે અને લાંબા ગાળે સપ્લાય ચેનની કટોકટી અને આર્થિક અસ્થિરતા સર્જાશે. અમેરિકા-ચીનના વ્યાપાર તણાવ અને બદલાતી ગ્લોબલ સપ્લાય ચેન વચ્ચે ભારત ચોક્કસપણે વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં મોટું સ્થાન મેળવવા ઈચ્છે છે, પરંતુ ડબ્લ્યુટીઓના નિયમો અને અમેરિકાની અકળ ટેરિફ નીતિઓ (જેમ કે, સેક્શન 301 હેઠળની તપાસ) વચ્ચે ભારતે પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવી પડશે. આ કરાર માત્ર કેટલી ઝડપથી સાઈન થાય છે, તેના પરથી ન મૂલવવો જોઈએ, પણ તે ભારતના લાંબા ગાળાના આર્થિક હિતોનું રક્ષણ કરે છે કે, નહીં તે જોવું રહ્યું. જેમ ઉતાવળે આંબા ન પાકે, એ જ રીતે આર્થિક વિકાસ અને વૈશ્વિક વ્યાપાર વધારવો અનિવાર્ય છે, પરંતુ તે કરોડો ખેડૂતોની રોજીરોટી અને દેશની ખાદ્ય સુરક્ષાના ભોગે ન હોઈ શકે.

Panchang

dd