• શનિવાર, 27 જુલાઈ, 2024

પત્રકારો ઉપર પ્રતિબંધ

કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગના પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, ઈડી એલાયન્સ પત્રકારો પર પ્રતિબંધ મૂકીને પોતાની સરમુખત્યારશાહી માનસિકતા દાખવી રહી છે. પત્રકારો પર ઈમરજન્સી જેવી ભારતમાં લોકતંત્ર બચાવવાની કાગારોળ - વિદેશમાં મચાવી રહેલા કોંગ્રેસી નેતાનાં ડીએનએમાં - નસેનસમાં સત્તાનો નશો વ્યાપી ગયો છે. 1975ની ઈમરજન્સીની સજા જનતાએ આપી હતી, તે અનુભવ ભૂલીને કેટલાક પત્રકારોનો બહિષ્કાર અર્થાત્ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસે દેશમાં લોકતંત્રને કચડવાનો પ્રયાસ ઈમરજન્સી વખતે કર્યો હતો. ઈન્દિરા ગાંધીએ મીડિયાને કચડીને અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવવાનું કામ કર્યું હતું. હવે ફરીથી `હાથ'માં સત્તા નહીં હોવા છતાં પત્રકારો ઉપર પ્રતિબંધ મૂકવાની માનસિકતા હાવી થઈ છે ! વિપક્ષોનાં `ઈન્ડિયા' ગઠબંધને દેશમાંની વિવિધ ટીવી ચેનલોના 14 એન્કરની રાજકીય ચર્ચાના કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો લીધેલો નિર્ણય બેજવાબદારપણાનો અને અક્કલ વગરનો - બંને છે. આ નિર્ણયને પત્રકારો વિરોધમાંના ટોળાંશાહીનો દ્યોતક જ કહેવો પડે. આ 14 `એન્કર' પોતાના કાર્યક્રમ દ્વારા દેશમાં દ્વેષભર્યાં વાતાવરણની નિર્મિતિ કરે છે, એવો `ઈન્ડિયા' ગઠબંધનનો આક્ષેપ છે! લોકો સુધી પહોંચવાની `ઈન્ડિયા' ગઠબંધનને સૌથી વધુ જરૂર છે, ત્યારે મીડિયાના દરવાજા બંધ કરવાનો આ નિર્ણય આત્મઘાતી લેખવો જોઈએ. ટીવી ચેનલના ચર્ચા કાર્યક્રમમાં બધા પક્ષોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવે છે. આ પ્રતિનિધિ માટે ચર્ચામાં પોતાના મુદ્દા વધુ અસરકારક રીતે રજૂ કરવામાં કસોટી થતી હોય છે. આ ચર્ચામાં ભાગ નહીં લેવામાં એ નિશ્ચિતપણે શાણપણ નથી. `ઈન્ડિયા' ગઠબંધનના બધા વિપક્ષમાંના જ્યેષ્ઠ નેતાઓનો પણ આવા બહિષ્કારને ટેકો હોય તો તેઓને પણ મીડિયા સ્વતંત્રતાનો અર્થ સમજાયો નથી, એવો પ્રચાર મીડિયા દ્વારા થવાની શક્યતા છે. મીડિયા સમક્ષ જઈને પોતાનો પક્ષ રજૂ કરતાં સંબંધિત એન્કરનો એકાદ મુદ્દો ખટકનારો હોય તો ત્યાં જ તેનો પ્રતિકાર કરવો ઘટે. તેમ કરવાના બદલે કાર્યક્રમનો બહિષ્કાર કરવાથી કંઈ - લાભ નથી. ઊલટાનું ટીકાનો જવાબ આપવાની તક ગુમાવવા જેવું થશે. હા, કેટલાક કોંગ્રેસી નેતાના આક્ષેપ મુજબ અમુક પત્રકારો ડિબેટ વખતે એકતરફી રીતે અથવા તો અમુક પક્ષના પ્રવક્તા હોય એ રીતે સવાલ જવાબ કરતા હોય છે. ઘણીવાર વિપક્ષી નેતાને પૂરતી તક ન અપાય અથવા તો ઉતારી પડાય. આ ફરિયાદ સંબંધિત ચેનલ એડિટરોએ ધ્યાને લેવી જોઇએ. અલબત્ત, આનો જવાબ પ્રતિબંધ ન હોઇ શકે. બહિષ્કારનું નેતૃત્વ કરનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિદેશમાં કહેતા હોય છે કે, ભારતમાં મીડિયાનો શ્વાસ રૂંધવામાં આવે છે, તો પછી આ બહિષ્કાર શું છે? ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચવાનો હોઈ, દરેક પક્ષ મતદારોને આકર્ષિત કરવા માટે તેમના સુધી પહોંચવા માટે જીવ સટોસટની બાજી ખેલશે. ઇન્ડિયા-એલાયન્સના નેતાઓએ જાતે જ પગ પર કુહાડો મારી લીધાનું દેખાય છે. તેઓમાં થોડુંઘણું પણ શાણપણ બાકી રહ્યું હોય તો હજી બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચવો ઘટે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang